પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના શમશેરગંજ વિસ્તારમાં વકફ એક્ટના વિરોધમાં અચાનક હિંસક વળાંક આવ્યો જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. ઉલ્લેખનીય છે કે શુક્રવારે મુર્શિદાબાદમાં પણ હિંસા થઈ હતી આ હિંસામાં અત્યાર સુધીમાં 118 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરિસ્થિતિને જોતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા જ્યારે કેટલાક વિસ્તારોમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ની પણ મદદ લેવામાં આવી. આ હિંસાને જોતા કોલકાતા હાઈકોર્ટે કેન્દ્રીય દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.
ટોળાએ પિતા-પુત્રને માર માર્યો હતો
એક અહેવાલ મુજબ શમશેરગંજના જાફરાબાદ વિસ્તારમાં શનિવારે બપોરે પરિસ્થિતિ ત્યારે વણસી ગઈ જ્યારે હિંસક ટોળાએ ગામમાં અચાનક હુમલો કર્યો. આ હુમલામાં એક જ પરિવારના બે સભ્યો - પિતા અને પુત્ર -ની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
શુક્રવારે જુમ્મેની નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વકફ એક્ટનો વિરોધ કરવા લાગ્યા હતા. શમશેરગંજને અડીને આવેલા ધુલિયાન વિસ્તારમાં વિરોધીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-12 ને અવરોધિત કર્યો પોલીસ વાહન પર પથ્થરમારો કર્યો અને કેટલાક વાહનોને આગ લગાડી. આ દરમિયાન ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. કેટલાક પોલીસકર્મીઓને પોતાનો જીવ બચાવવા માટે મસ્જિદમાં આશ્રય લેવો પડ્યો હતો. શનિવારે હિંસા ધુલિયામાં ફેલાઈ ગઈ જ્યાં એક વ્યક્તિને ગોળી વાગી હોવાના અહેવાલ છે. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.
કાયદા પર રાજનીતિ
આ દરમિયાન મમતા બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે "અમે એવો કાયદો નથી બનાવ્યો જેના વિશે લોકો નારાજ છે. આ કેન્દ્ર સરકારનો કાયદો છે અને અમે સ્પષ્ટપણે કહ્યું છે કે બંગાળમાં આ કાયદો લાગુ કરવામાં આવશે નહીં. તો પછી આ રમખાણો શા માટે?" દરમિયાન ભાજપે આ મુદ્દે મમતા સરકારને ઘેરી હતી. બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું "જો ભાજપ સત્તામાં આવશે તો તે આ પ્રકારની ગુંડાગીરી અને લઘુમતીઓ સામેની હિંસાને પાંચ મિનિટમાં ખતમ કરી દેશે."






