STATE MONETERRING CELL ACTION:ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા છતાં ગેરકાયદે દારૂની હેરાફેરીના પ્રયાસો થંભવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા બે દિવસમાં પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ SMCએ બે મોટી કાર્યવાહી કરીને કુલ ₹3.31 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીઓએ રાજ્યમાં ફરી એકવાર દારૂની ગેરકાયદે હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
મુન્દ્રા જીઆઈડીસી વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
પ્રથમ કાર્યવાહી કચ્છ જિલ્લાના મુન્દ્રા પોલીસે કરી હતી. ધ્રબ ગામની જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગોડાઉન નંબર-૩૩માંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દરોડો પાડીને ₹2.11 કરોડની કિંમતનો દારૂ તેમજ ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. તપાસમાં ખુલ્યું છે કે રાજસ્થાનના અનિલ પાન્ડ્યા નામના વ્યક્તિએ ટ્રક મારફતે આ જથ્થો મોકલ્યો હતો અને ગોડાઉન નરેન્દ્ર મકવાણા નામના વ્યક્તિના નામે ચાલતું હતું. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઘેટા-બકરાના ઊન (વાળ)ના પાર્સલની આડમાં ₹1.20 કરોડનો દારૂ મળી આવ્યો
બીજી તરફ અમદાવાદમાં પણ SMCએ વધુ કાર્યવાહી હાથધરી હતી. જેમાંબાકરોલ ટોલ પ્લાઝા પાસેથી એક ટ્રકને રોકીને તપાસ કરતાં ઘેટા-બકરાના ઊન (વાળ)ના પાર્સલની આડમાં ₹1.20 કરોડની કિંમતનો વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું બહાર આવ્યું. આ ચતુરાઈભરી રીતે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ પોલીસની બાતમીને કારણે નિષ્ફળ ગયો. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી, પરંતુ દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત કુલ છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રક ડ્રાઇવરની પણ ઓળખ કરવામાં આવી છે અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

આ બન્ને કેસમાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની ગેરકાયદે આયાતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસ વધુ ઊંડી તપાસ કરીને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાના પ્રયાસમાં છે. દારૂબંધીના કાયદાને ચેલેન્જ કરતા આ પ્રકારના ગુનાઓ સામે પોલીસની સતર્કતા અને સખ્તાઈ વધારે દેખાઈ રહી છે.






