Home National Vijay First Meeting After Becoming Tamil Nadu Cm Big Decisions

તામિલનાડુના CM બનતા જ વિજયે લીધા ત્રણ મોટા નિર્ણય : મફત વીજળીથી લઈને મહિલાઓની સુરક્ષા સુધી ફોકસ

Vijay CM, Tamil Nadu Politics
Published by: Vishal Dave
Last Updated: May 10, 2026, 04:59 PM IST

તામિલનાડુના રાજકારણમાં ઐતિહાસિક ફેરફાર વચ્ચે અભિનેતા પરથી રાજકારણી બનેલા જોસેફ વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તરત જ એક્શન મોડ અપનાવ્યો છે. શપથવિધિના થોડા જ સમય બાદ તેમણે અધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ સાથે પહેલી મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં રાજ્યના શાસન, કાયદો-વ્યવસ્થા અને જનકલ્યાણ યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

લગભગ છ દાયકાથી તામિલનાડુની રાજનીતિમાં પ્રભુત્વ ધરાવતી ડીએમકે અને એઆઇએડીએમકેની પરંપરાગત સત્તા બદલાવની રાજકીય પ્રથા હવે તૂટી ગઈ છે. વિજયના નેતૃત્વ હેઠળ ટીવીકે (TVK) સરકાર રચાતા રાજ્યમાં નવી રાજકીય દિશાની શરૂઆત તરીકે આ ઘટનાને જોવામાં આવી રહી છે.

ચેન્નઈના નહેરુ સ્ટેડિયમમાં શપથવિધિ, રાજકીય ઇતિહાસ સર્જાયો

રવિવારે તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે ચેન્નઈના નહેરુ સ્ટેડિયમમાં જોસેફ વિજયને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. સવારે 10 વાગ્યા બાદ યોજાયેલા આ ભવ્ય સમારોહમાં હજારો સમર્થકો, રાજકીય નેતાઓ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો હાજર રહ્યા હતા. શનિવારે 234 સભ્યો ધરાવતી વિધાનસભામાં 120 ધારાસભ્યોના સમર્થન બાદ રાજ્યપાલે વિજયને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. વિજયની પાર્ટી ટીવીકેને કોંગ્રેસ, સામ્યવાદી પક્ષો, વીસીકે અને આઇયુએમએલ સહિતના પક્ષોનો ટેકો મળતા સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી ગઈ હતી. વિજયે હવે 13 મે અથવા તે પહેલાં વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની રહેશે.

CM બનતા જ પહેલી બેઠકમાં શું ચર્ચાયું?

મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ વિજયે તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓ અને નજીકના મંત્રીઓ સાથે પહેલી બેઠક યોજી હતી. સૂત્રો મુજબ, આ બેઠકમાં રાજ્યના નાણાકીય બોજ, વીજળી સબસિડી, કાયદો-વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિજયે સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેમની સરકાર “ઝડપી નિર્ણય અને સીધી અમલવારી” ઉપર કામ કરશે. શપથ લીધાના થોડા જ કલાકોમાં ત્રણ મોટા આદેશો પર સહી કરીને તેમણે પોતાની કાર્યશૈલીનો સંકેત આપી દીધો.

200 યુનિટ મફત વીજળીનો મોટો નિર્ણય

વિજય સરકારનો પ્રથમ મોટો નિર્ણય વીજળી સબસિડીને લઈને હતો. નવા આદેશ મુજબ, દર બે મહિને 500 યુનિટ સુધી વીજળી વાપરતા ઘરોને 200 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી કે શું 500 યુનિટથી વધુ વપરાશ કરનારા ગ્રાહકો માટે અગાઉની 100 યુનિટ મફત યોજના બંધ થશે? પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી કે 500 યુનિટથી વધુ વપરાશ ધરાવતા ઘરો માટે હાલની 100 યુનિટ મફત વીજળી યોજના યથાવત રહેશે. સરકારે જાહેર કરેલા આદેશ મુજબ નવી યોજના આજથી એટલે કે 10 મેથી અમલમાં આવી ગઈ છે. આ યોજનાના કારણે રાજ્ય સરકાર પર અંદાજે રૂ. 1,730 કરોડનો વધારાનો બોજ આવશે.

નશાકારક પદાર્થો સામે કડક કાર્યવાહી

વિજય સરકારનો બીજો મહત્વપૂર્ણ નિર્ણય ડ્રગ્સ અને નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટેનો હતો. મુખ્યમંત્રીએ દરેક જિલ્લામાં ખાસ “સ્પેશિયલ ફોર્સ” બનાવવાના આદેશ પર સહી કરી હતી. તાજેતરના સમયમાં દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને યુવાનોમાં વ્યસન વધતા મુદ્દા ગંભીર બન્યા હતા. વિજયે આ મુદ્દાને સરકારની પ્રાથમિકતા ગણાવી કડક કાર્યવાહીનો સંકેત આપ્યો. રાજકીય વિશ્લેષકો માને છે કે યુવાનોમાં લોકપ્રિય છબી ધરાવતા વિજય પોતાની સરકારને “કાયદો અને સમાજ સુરક્ષા” કેન્દ્રિત મોડલ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મહિલાઓની સુરક્ષા માટે ‘લાયનેસ’ દળ

વિજય સરકારનો ત્રીજો મોટો નિર્ણય મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલો હતો. મુખ્યમંત્રીએ “લાયનેસ” નામે વિશેષ સુરક્ષા દળ બનાવવાના આદેશ આપ્યા છે. આ દળ ખાસ કરીને મહિલાઓ સામેના ગુનાઓ, જાહેર સ્થળોની સુરક્ષા અને તાત્કાલિક પ્રતિસાદ માટે કામ કરશે. દક્ષિણ ભારતના મોટા શહેરોમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે વધતી ચિંતાઓ વચ્ચે આ નિર્ણયને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. સરકારના સૂત્રો અનુસાર, “લાયનેસ” દળમાં ખાસ તાલીમ મેળવેલી મહિલા અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને સામેલ કરવામાં આવશે.

શપથવિધિમાં બદલાયેલી પરંપરા પણ ચર્ચામાં

તામિલનાડુના રાજકીય ઇતિહાસમાં શપથવિધિ સમારોહ દરમિયાન સામાન્ય રીતે સૌથી પહેલા તામિલ અભિવાદન ગીત ગવાય છે. પરંતુ આ વખતે કાર્યક્રમમાં સૌથી પહેલા “વંદે માતરમ” રજૂ કરવામાં આવ્યું હતું.

તે બાદ રાષ્ટ્રગીત “જન ગણ મન” ગવાયું અને અંતે તામિલ અભિવાદન કરવામાં આવ્યું. આ બદલાયેલી પરંપરા સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. કેટલાક લોકોએ તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવ્યું, જ્યારે કેટલાક રાજકીય વિરોધીઓએ તેને તામિલ પરંપરાથી વિખૂટું પગલું ગણાવ્યું.

ડીએમકે-એઆઇએડીએમકે યુગનો અંત?

તામિલનાડુની રાજનીતિમાં છેલ્લા લગભગ 60 વર્ષથી ડીએમકે અને એઆઇએડીએમકે વચ્ચે જ સત્તા બદલાતી આવી છે. પરંતુ વિજયની એન્ટ્રી સાથે આ પરંપરાગત રાજકીય સમીકરણ તૂટ્યું છે. ફિલ્મ સ્ટાર તરીકે વિશાળ લોકપ્રિયતા ધરાવતા વિજયે યુવાનો, મધ્યમવર્ગ અને પ્રથમ વખત મતદાન કરનારાઓમાં મજબૂત આધાર ઉભો કર્યો હતો. રાજકીય નિષ્ણાતોના મતે આ જીત દક્ષિણ ભારતના રાજકારણમાં “સેલિબ્રિટી પોલિટિક્સ”નું સૌથી મોટું ઉદાહરણ બની શકે છે. હવે તમામની નજર એ વાત પર રહેશે કે વિજયની સરકાર પોતાના વચનો અને ઝડપી નિર્ણયોને જમીન પર કેટલી અસરકારક રીતે અમલમાં મૂકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now