Home Gujarat Veraval Smc Raid Police Firing Riot Case 200 Accused

વેરાવળ SMC રેડ કેસ: 40 નામજોગ સહિત 200 વિરુદ્ધ રાયોટિંગનો ગુનો : PSIએ કરેલા ફાયરિંગના LIVE દ્રશ્યો સામે આવ્યા

વેરાવળ SMC હુમલો કેસ: 200 સામે ગુનો, PIના ફાયરિંગના LIVE દ્રશ્યો
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 09, 2026, 03:15 PM IST

Gir Somnath News: વેરાવળ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલી રેડ દરમિયાન સર્જાયેલા હંગામાના કેસમાં હવે મોટું અપડેટ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના LIVE દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં SMCની ટીમ પર ટોળું હુમલો કરવાનો પ્રયાસ કરતું તેમજ પોલીસ પર પથ્થરમારો અને ઘેરાવ જેવી સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. સ્થિતિ કાબૂ બહાર જતાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એચ. સિસોદીયાએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના વેરાવળના કોલીવાડા વિસ્તારમાં આવેલા એક જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલી રેડ દરમિયાન બની હતી. પોલીસને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાયા હતા, પરંતુ કાર્યવાહી દરમિયાન અચાનક મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

34 જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

પોલીસે રેડ દરમિયાન કુલ 34 જુગારીઓને ઝડપી પાડી તેમની સામે ગુજરાત પ્રોહિબિશન અને જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ અંદાજે ₹56,500નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

200થી વધુના ટોળા સામે ગંભીર કલમો હેઠળ કેસ

રેડ દરમિયાન પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરનાર 40 નામજોગ વ્યક્તિઓ સહિત અંદાજે 200 લોકોના ટોળા સામે પણ વેરાવળ સિટી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ટોળા સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ, સરકારી કર્મચારી પર હુમલો તેમજ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ઘટનામાં સામેલ અન્ય આરોપીઓને ઓળખી તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

હુમલા અને ફાયરિંગના LIVE દ્રશ્યો થયા વાયરલ

ઘટનાના LIVE વિડીયોમાં હવે સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં SMCની ટીમ પર ટોળું એકત્ર થતું, પોલીસને ઘેરવાનો પ્રયાસ કરાતો અને ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે PSI દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતું જોવા મળી રહ્યું છે. વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર ઘટના ફરી ચર્ચાનો વિષય બની છે.

PSI જે.એચ. સિસોદીયાનું નિવેદન

વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એચ. સિસોદીયાએ જણાવ્યું હતું કે, SMCની ટીમ કાયદેસરની કાર્યવાહી કરી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાંરૂપે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે શરૂ કરી સર્ચ ઓપરેશન

પોલીસે જણાવ્યું છે કે ઘટનામાં સામેલ અનેક આરોપીઓ ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તેમની ઓળખ માટે CCTV ફૂટેજ, મોબાઇલ વીડિયો અને અન્ય ટેકનિકલ પુરાવાઓની મદદ લેવામાં આવી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પાટણના વોર્ડ નં. 11માં ગટરના પ્રશ્ને ભારે આક્રોશ : ગંદા પાણીમાં ચીફ ઓફિસર અને પ્રમુખનું પૂતળું ઉતારી કોંગ્રેસ કોર્પોરેટરો દ્વારા ઉગ્ર વિરોધ

કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહીનો સંદેશ

પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરનાર અથવા કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે પુરાવાના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે વેરાવળ સહિત ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now