Home International Venezuela Blast Explosion Attacked Four Cities Including Caracas Bombed President Maduro Declares National Emergency

ટ્રમ્પે વેનેઝુએલા પર છોડી મિસાઈલો : કારાકાસ સહિત 4 શહેરો પર કર્યો હુમલો, રાષ્ટ્રીય કટોકટી કરાઈ જાહેર

ટ્રમ્પે વેનેઝુએલા પર છોડી મિસાઈલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 09:39 AM IST

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં શનિવારે વહેલી સવારે અનેક વિસ્ફોટોના અવાજો સંભળાયા અને નીચે ઉડતા વિમાનો જોવા મળ્યા, જેના કારણે શહેરમાં અફરાતફરી મચી ગઈ. સાક્ષીઓ અને સોશિયલ મીડિયા પર ફરતી તસવીરો અનુસાર, શહેરના દક્ષિણ વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા ઉઠ્યા અને વીજળી પુરવઠો ખોરવાયો. આ ઘટના અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા તણાવના પરિણામે થઈ હોવાનું માનવામાં આવે છે.રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોની સરકારે આને અમેરિકાની "સૈન્ય આક્રમણ" ગણાવીને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.

વેનેઝુએલાના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલા કારાકાસ ઉપરાંત મિરાન્ડા, અરાગુઆ અને લા ગુઆઇરા રાજ્યોમાં થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહિનાઓથી માદુરો સરકાર પર દબાણ વધાર્યું છે, જેમાં ડ્રગ તસ્કરીના આરોપો, નૌકાદળની ઘેરાબંધી અને જહાજો પર હુમલા સામેલ છે. તાજેતરમાં ટ્રમ્પે વેનેઝુએલામાં જમીની કાર્યવાહીની ધમકી આપી હતી. વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોને આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી. આ ઘટના લેટિન અમેરિકામાં તણાવ વધારી શકે છે.

કારાકાસમાં વિસ્ફોટો અને અફરાતફરી

સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 2 વાગ્યે (GMT 0600) વિસ્ફોટો શરૂ થયા. સાક્ષીઓએ જણાવ્યું કે શહેરના દક્ષિણ વિસ્તારમાં, જે મુખ્ય સૈન્ય અડ્ડા નજીક છે, વીજળી ગુલ થઈ ગઈ. લા કાર્લોટા એરબેઝ અને ફુએર્તે તિયુના સૈન્ય અડ્ડા પાસેથી ધુમાડો ઉઠતો જોવા મળ્યો. નીચે ઉડતા વિમાનોના અવાજો સંભળાયા, જેના કારણે રહેવાસીઓ રસ્તા પર દોડી આવ્યા હતા. વેનેઝુએલા સરકારે નિવેદનમાં અમેરિકા પર "સૈન્ય આક્રમણ"નો આરોપ મૂક્યો છે અને તેને "સામ્રાજ્યવાદી આક્રમણ" ગણાવ્યું. માદુરોએ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી અને સમાજિક-રાજકીય શક્તિઓને "મોબિલાઇઝેશન પ્લાન" સક્રિય કરવા અપીલ કરી છે. સરકારનું કહેવું છે કે, આ હુમલાનો હેતુ વેનેઝુએલાના તેલ ભંડાર પર કબજો કરવાનો છે.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ કહ્યું- હુમલાનો જવાબ આપીશું

હુમલા બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ સૈન્ય કાર્યવાહી માટે અમેરિકી સરકારની સખત નિંદા કરે છે. વેનેઝુએલા અનુસાર, હુમલાઓમાં કારાકાસ શહેર તેમજ મિરાન્ડા, અરાગુઆ અને લા ગ્વાયરા રાજ્યોમાં નાગરિક અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે તે આ હુમલાઓનો મક્કમતાથી જવાબ આપશે. વેનેઝુએલાએ અમેરિકા પર બળવાના પ્રયાસનો આરોપ પણ લગાવ્યો. આ સાથે વેનેઝુએલાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now