અમદાવાદમાં 34 વર્ષ જૂના ફરજાના હત્યા કેસે હવે ટેક્નોલોજી અને પોલીસ તપાસના અનોખા સંગમને કારણે દેશભરમાં ચર્ચા જગાવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલાયેલા આ કેસમાં પહેલીવાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને મૃતકનો ચહેરો તૈયાર કરવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસના ઈતિહાસમાં આ પહેલી એવી ઘટના માનવામાં આવી રહી છે જેમાં હત્યાની તપાસ દરમિયાન AI આધારિત સ્કેચિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થયો હોય.
વર્ષ 1992 માં વટવાના કુતુબનગર વિસ્તારમાં રહેતી ફરજાના અચાનક ગાયબ થઈ ગઈ હતી. વર્ષો સુધી આ કેસ રહસ્યમાં જ દટાયેલો રહ્યો. પરિવાર તરફથી કોઈ સત્તાવાર ફરિયાદ પણ નોંધાઈ નહોતી અને આસપાસના લોકોને ફરજાના ક્યાંક ચાલી ગઈ હોવાનું કહેવામાં આવતું હતું. પરંતુ હવે 34 વર્ષ બાદ સામે આવ્યું છે કે ફરજાનાની તેના જ પતિ અને સગાઓએ મળીને હત્યા કરી હતી અને મૃતદેહને 20 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો.
AI ટેક્નોલોજીથી તૈયાર થયો ફરજાનાનો ચહેરો
આ કેસની તપાસ દરમિયાન સૌથી મોટો પડકાર એ હતો કે ફરજાનાનો કોઈ ફોટોગ્રાફ ઉપલબ્ધ નહોતો. સામાન્ય રીતે આવા કેસોમાં સ્કેચ આર્ટિસ્ટ સાક્ષીઓના વર્ણનના આધારે ચહેરાનો સ્કેચ બનાવે છે, પરંતુ આ વખતે ક્રાઈમ બ્રાન્ચે આધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો હતો.
સનાથલ ગામમાં હિંસક અથડામણ: સામાન્ય બાબતે થયેલો ઝઘડો કરુણતામાં પરિણમ્યો, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ
પોલીસે પરિવારજનો, પડોશીઓ અને ઝડપાયેલા આરોપીઓ પાસેથી ફરજાનાના ચહેરાના લક્ષણો અંગે વિગતવાર માહિતી એકત્રિત કરી હતી. ત્યારબાદ આ તમામ વિગતો AI સોફ્ટવેરમાં ફીડ કરવામાં આવી હતી. વિવિધ ફેશિયલ ફીચર્સ અને વર્ણનોના આધારે AI દ્વારા ફરજાનાનો ડિજિટલ ચહેરો તૈયાર કરવામાં આવ્યો હતો.
તપાસમાં જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, AI થી તૈયાર કરાયેલ તસ્વીર જોઈ પરિવારજનો ભાવુક બની ગયા હતા. કારણ કે તૈયાર થયેલો ચહેરો ફરજાનાના વાસ્તવિક દેખાવ સાથે ઘણી હદ સુધી મેળ ખાતો હતો. આ ઘટનાએ પોલીસ અધિકારીઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
સુરતમાં ચાર દિવસમાં બીજી ‘હાફ એન્કાઉન્ટર’ ઘટના: સગીરની હત્યાના આરોપીને પોલીસે પગમાં ગોળી મારી ઝડપી પાડ્યો
ટેક્નોલોજી અને તપાસનો અનોખો સંગમ
આ કેસ માત્ર એક હત્યા કેસ નથી, પરંતુ ટેક્નોલોજી, ડીએનએ સાયન્સ અને ગુપ્તચર બાતમીના સંયુક્ત ઉપયોગનું અનોખું ઉદાહરણ બની ગયો છે. 34 વર્ષ સુધી દબાયેલા રહસ્યને બહાર લાવવા માટે પોલીસે AI સાથે વૈજ્ઞાનિક તપાસ પદ્ધતિઓનો પણ ઉપયોગ કર્યો હતો.
વટવાના કુતુબનગર વિસ્તારમાંથી મળેલા હાડપિંજરને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરજાનાના ભાઈના DNA સેમ્પલ સાથે તેની મેચિંગ કરવામાં આવી હતી. રિપોર્ટમાં DNA મેચ થતાં વૈજ્ઞાનિક રીતે સાબિત થયું કે મળેલા અવશેષો ફરજાનાના જ હતા.





