Home Gujarat Surat Surat Limbayat Half Encounter Rahul Jogi Case

સુરતમાં ચાર દિવસમાં બીજી ‘હાફ એન્કાઉન્ટર’ ઘટના : સગીરની હત્યાના આરોપીને પોલીસે પગમાં ગોળી મારી ઝડપી પાડ્યો

સુરતમાં થયેલું હાફ એન્કાઉન્ટરના દ્રશ્યો
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 11, 2026, 05:47 AM IST

સુરતના લિંબાયત વિસ્તારમાં ચાર દિવસમાં બીજી વખત કહેવાતી ‘હાફ એન્કાઉન્ટર’ જેવી ઘટના સામે આવી છે. ગત 10 મેની રાત્રે થયેલી સગીરની હત્યાના કેસમાં ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસના ફાયરિંગમાં આરોપીના જમણા પગમાં ગોળી વાગતા તે ઘાયલ હાલતમાં ઝડપાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પોતાના મિત્ર સાથે બાઈક પર મોબાઈલ દુકાનનું પેમેન્ટ લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ગણેશનગર વિસ્તારમાં આરોપી રાહુલ જોગીની બાઈક સાથે ટક્કર થતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલા ચપ્પુથી અનુરાગની છાતીમાં ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે અનુરાગનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ફરાર આરોપીને પકડવા પોલીસનું ઓપરેશન

હત્યા બાદ આરોપી ફરાર થઈ જતા સુરત સિટી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી મીઠીખાડી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે છુપાયેલો છે. બાતમીના આધારે લિંબાયત પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને પકડવાનો પ્રયાસ થતાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને હેડ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા અને સ્વબચાવની સ્થિતિ ઊભી થતા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે નીચે ઢળી પડ્યો હતો.
સનાથલ ગામમાં હિંસક અથડામણ: સામાન્ય બાબતે થયેલો ઝઘડો કરુણતામાં પરિણમ્યો, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

આરોપી અને પોલીસકર્મી બંને સારવાર હેઠળ

ફાયરિંગ બાદ પોલીસે આરોપી રાહુલ જોગીને કસ્ટડીમાં લઈ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ, હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ મુકેશ બાગુલને ગોધાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now