વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. ડુંગરી ફળિયા સ્થિત મદીના મસ્જિદ પાસે આવેલા 20 થી 25 ભંગરના ગોડાઉનમાં આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
મોડી રાત્રે સળગી ઉઠ્યું ગોડાઉન
આગ રાત્રે આશરે 1:30 થી 2:00 અરસામાં આકસ્મિત રીતે ભંગરના એક ગોડાઉનમાં લાગી હતી. પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ ભંગારના જથ્થાને કારણે આગે પલવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આસપાસના ગોડાઉનોને પણ ઝપેટમાં લઈ લીધા હતા. આગના ધુમાડાના ગોટા કિલોમીટરો દૂરથી દેખાતા હતા.
સ્થાનિક લોકોએ તાત્કાલિક વાપી ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી. વાપી ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગની ગંભીરતા જોતા તાત્કાલિક મેજર કોલ જાહેર કર્યો હતો. આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયરની ટીમો મદદ માટે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
આગની ગરમી અડધો કિલોમીટર દૂર સુધી અનુભવાતી હતી, જેના પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે પોલીસે આસપાસનો વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવ્યો હતો. ડુંગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતનો કાફલો પણ બચાવ કામગીરીમાં જોડાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ઉનાળા વચ્ચે ચોમાસા જેવો માહોલ : 2 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓ સાવધાન!
ફાયર બ્રિગેડની ટીમોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, લાખો રૂપિયાનો સ્ક્રેપ બળીને ખાખ થઈ ગયો છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક શંકા શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની સેવાઈ રહી છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગનું સચોટ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





