logo-img
Vaishnodevi Circle Road Block Protest

અમદાવાદમાં SP રોડ પર રહીશોનો ઉગ્ર આક્રોશ : વૈષ્ણોદેવીથી ઝુંડાલ માર્ગ પર હોટલ હિલ્લોક સામેનો કટ ખોલવા રસ્તા રોકો આંદોલન

અમદાવાદમાં SP રોડ પર રહીશોનો ઉગ્ર આક્રોશ
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 06:30 PM IST

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલને જોડતા અત્યંત વ્યસ્ત એસપી રિંગ રોડ પર આજે સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હોટલ હિલ્લોક પાસે આવેલો સર્વિસ રોડનો કટ છેલ્લા લાંબા સમયથી બંધ હોવાના કારણે આસપાસની સોસાયટીના લોકો પરેશાન હતા. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક પગલાં ન લેવાતા આખરે કંટાળેલા નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વાહનવ્યવહાર અટકાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં અંદાજે 100 થી 150 લોકોનું ટોળું હાથમાં બેનરો લઈને રસ્તાની વચ્ચે બેસી ગયું હતું. જેના કારણે વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આંદોલનકારીઓએ કેટલાક વાહનોને અટકાવતા રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થિતિ વધુ વણસતી જોઈને ઘટનાસ્થળે હાજર પોલીસની પેટ્રોલિંગ વાને તુરંત જ વધારાની કુમક મંગાવી હતી.

મામલો ગંભીર બનતા ચાંદખેડા પોલીસ સ્ટેશનનો કાફલો અને ટ્રાફિક પોલીસની ટુકડીઓ સ્થળ પર દોડી આવી હતી. પ્રદર્શનકારીઓની માંગ છે કે હોટલ હિલ્લોક સામેનો આ કટ તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવામાં આવે જેથી સ્થાનિકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કટ બંધ હોવાને લીધે તેમને કિલોમીટરો સુધીનો લાંબો ફેરો ખાવો પડે છે જે તેમના સમય અને ઈંધણનો વ્યય કરે છે.

પોલીસે આખરે સમજાવટથી અને બળપ્રયોગ કરીને ટ્રાફિક હળવો કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રહીશોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કટ ખોલવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને ટ્રાફિકની સ્થિતિને સામાન્ય બનાવવાની કામગીરી ચાલુ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now