Home National Vaishno Devi Shrine Fake Silver Scam Court Crime Branch Investigation

શું વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તોની ચઢાવેલી અસલી ચાંદી બદલાઈ ગઈ? : 550 કરોડના કથિત કૌભાંડમાં કોર્ટનો ક્રાઈમ બ્રાન્ચને મોટો આદેશ

Mata Vaishno Devi Shrine Fake Silver Scam 2026
Image Credit: tourmyindia.com
Published by: Nirali Gohil
Last Updated: Jul 14, 2026, 06:49 AM IST

Mata Vaishno Devi Shrine Fake Silver Scam 2026: જમ્મુ-કાશ્મીરના વિશ્વવિખ્યાત શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તો દ્વારા વર્ષો દરમિયાન ચઢાવવામાં આવેલી ચાંદીને લઈને એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર ગણાતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડમાં જમા થયેલી આશરે 20 ટન ચાંદીમાંથી મોટા ભાગની ચાંદી નકલી અથવા મિલાવટયુક્ત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલો હવે કોર્ટ સુધી પહોંચતા તપાસ વધુ ગંભીર બની છે. જમ્મુના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) મુનીશ કુમાર મન્હાસની અદાલતે આ મામલે કડક વલણ અપનાવી ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીને આગામી સુનાવણી દરમિયાન તમામ સંબંધિત દસ્તાવેજો અને રેકોર્ડ સાથે વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 29 જુલાઈ 2026ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. આ સમગ્ર મામલો માત્ર નાણાકીય ગેરરીતિ સુધી મર્યાદિત નથી, પરંતુ કરોડો ભક્તોની આસ્થા સાથે પણ સીધો જોડાયેલો હોવાથી સમગ્ર દેશનું ધ્યાન આ કેસ પર કેન્દ્રિત થયું છે.

શું છે 550 કરોડ રૂપિયાના ચાંદી કૌભાંડનો મામલો?

માહિતી અનુસાર, શ્રાઈન બોર્ડમાં વર્ષો દરમિયાન ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી આશરે 20 ટન ચાંદીને તેની શુદ્ધતા ચકાસવા, ઓગાળવા અને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટ મુજબ, સમગ્ર જથ્થામાંથી માત્ર 5થી 6 ટકા ચાંદી જ શુદ્ધ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બાકીની અંદાજે 94 ટકા સામગ્રીમાં કેડમિયમ, લોખંડ અને અન્ય સસ્તી ધાતુઓની મિલાવટ હોવાનું જાણવા મળ્યું હતું. આ કથિત ગેરરીતિનું મૂલ્ય અંદાજે 550 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ફરિયાદ બાદ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો

આ સમગ્ર મામલે વરિષ્ઠ વકીલ દીપક શર્માએ સૌથી પહેલાં ક્રાઈમ બ્રાન્ચ અને આર્થિક ગુના શાખા સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, સરકારી રેકોર્ડમાં ગેરરીતિ અને મિલાવટયુક્ત ધાતુના ઉપયોગ જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. Nજોકે ફરિયાદ બાદ પણ એફઆઈઆર નોંધવામાં ન આવતા અરજદારે જમ્મુની અદાલતનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કોર્ટે આ મામલે તપાસની ગતિ વધારવા માટે કડક વલણ અપનાવ્યું છે.

આ પણ વાંચો: જજની ખુરશી પર કાળો જાદુ! : CCTV સામે આવતા 65 વર્ષની મહિલાની ધરપકડ, શું છે આખો કેસ?

ક્રાઈમ બ્રાન્ચને કોર્ટની કડક ટકોર

કોર્ટ સમક્ષ ક્રાઈમ બ્રાન્ચે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરીને જણાવ્યું હતું કે સમગ્ર મામલો વહીવટી મંજૂરી માટે શ્રીનગર સ્થિત મુખ્ય કચેરીમાં મોકલવામાં આવ્યો છે. જોકે અરજદાર પક્ષે દલીલ કરી હતી કે માત્ર વહીવટી પ્રક્રિયાનો બહાનો પૂરતો નથી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પોતે જ પોલીસ સ્ટેશન તરીકે કાર્ય કરે છે, તેથી ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક એફઆઈઆર નોંધવી અને તપાસ શરૂ કરવી તેની કાયદાકીય જવાબદારી બને છે. આ દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે તપાસ અધિકારીને તમામ સંબંધિત દસ્તાવેજો સાથે આગામી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

મહત્વના પુરાવા સુરક્ષિત રાખવાની માંગ

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કેસ સાથે જોડાયેલા મહત્વના પુરાવા સુરક્ષિત રાખવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા નથી. Nઆમાં ઇન્વેન્ટરી રજિસ્ટર, સ્ટોક રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ, પરિવહન સંબંધિત દસ્તાવેજો, ચાંદીની શુદ્ધતા તપાસના અહેવાલો, ટંકશાળ સાથેનો પત્રવ્યવહાર તેમજ ચાંદી ઓગાળવાની પ્રક્રિયા સંબંધિત ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો સમાવેશ થાય છે. અરજદારે આ તમામ પુરાવા તાત્કાલિક જપ્ત કરીને સુરક્ષિત રાખવાની માંગ કરી છે.

આ પણ વાંચો: પત્નીને ઘરે લાવવા પુત્રએ કર્યું ભયાનક કાંડ! : સાસુની ઉશ્કેરણીમાં આવી માતાને જ પીરસ્યું ઝેર!

અસલી ચાંદી ક્યાં ગાયબ થઈ? તપાસનો સૌથી મોટો સવાલ

તપાસ દરમિયાન સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું ભક્તોને શરૂઆતથી જ નકલી અથવા મિલાવટયુક્ત ચાંદી વેચવામાં આવી હતી કે પછી મંદિર સુધી પહોંચેલી અસલી ચાંદી સ્ટોરેજ, પરિવહન અથવા ઓગાળવાની પ્રક્રિયા દરમિયાન બદલી નાખવામાં આવી હતી. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે, કેડમિયમ અને અન્ય ધાતુઓ ક્યાંથી લાવવામાં આવી, સપ્લાય ચેઇનમાં કોણ-કોણ સામેલ હતું અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ, સપ્લાયર્સ, ટ્રાન્સપોર્ટર્સ અથવા અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે નહીં.

આસ્થા સાથે જોડાયેલા કેસ પર સૌની નજર

વૈષ્ણોદેવી મંદિર દેશના સૌથી મોટા અને સૌથી વધુ ભક્તો આવતા તીર્થસ્થાનોમાંનું એક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે અને સોનાં-ચાંદી સહિત કિંમતી ચઢાવો અર્પણ કરે છે. એવા સમયે કરોડો રૂપિયાની ચાંદીમાં કથિત ગેરરીતિના આક્ષેપોએ ભક્તોમાં પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે આગામી 29 જુલાઈની સુનાવણી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ કોર્ટ સમક્ષ શું દસ્તાવેજો રજૂ કરે છે અને તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now