CBSE Third Language Rule 2026: દેશભરમાં CBSE સાથે સંકળાયેલા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020)ના અમલીકરણના ભાગરૂપે ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યો છે. હવે ધોરણ 10નું પાસ સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષા (Third Language)ના આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ફરજિયાત રહેશે. CBSE દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ આ નિયમ શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 9માં પ્રવેશ લેનારા અને વર્ષ 2027-28માં ધોરણ 10માં પહોંચનારા વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે. જોકે, આ ત્રીજી ભાષાની અલગ બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં. શાળા કક્ષાએ લેવામાં આવતું આંતરિક મૂલ્યાંકન જ વિદ્યાર્થી માટે ક્વોલિફાઇંગ રહેશે.
બોર્ડ પરીક્ષામાં નહીં હોય પેપર, છતાં પાસ થવું રહેશે ફરજિયાત
CBSEએ સ્પષ્ટ કર્યું છે કે ત્રીજી ભાષાનો વિષય મુખ્ય ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો ભાગ નહીં બને. તેના બદલે દરેક શાળા પોતાના સ્તરે આંતરિક મૂલ્યાંકન કરશે. પરંતુ આ મૂલ્યાંકનમાં પાસ થવું દરેક વિદ્યાર્થી માટે અનિવાર્ય રહેશે. જો કોઈ વિદ્યાર્થી આ આંતરિક મૂલ્યાંકનમાં નાપાસ થશે તો શાળાએ બોર્ડનું અંતિમ પરિણામ જાહેર થાય તે પહેલાં તેની ફરીથી પરીક્ષા (Reassessment) લેવાની રહેશે. વિદ્યાર્થી આ પરીક્ષામાં સફળ થશે ત્યાર બાદ જ તેને ધોરણ 10નું પાસ સર્ટિફિકેટ મળશે.
ધોરણ 9માં નાપાસ થયા તો પણ વર્ષ બગડશે નહીં
CBSEએ વિદ્યાર્થીઓને રાહત આપતી મહત્વની જોગવાઈ પણ કરી છે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9માં ત્રીજી ભાષાના મૂલ્યાંકનમાં પાસ નહીં થાય તો તેને ધોરણ 10માં પ્રમોટ કરવામાં આવશે. bપરંતુ તે વિદ્યાર્થીએ ધોરણ 10માં અભ્યાસ દરમિયાન ધોરણ 9ની બાકી રહેલી ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. એટલે કે વિદ્યાર્થીનું શૈક્ષણિક વર્ષ બગડશે નહીં, પરંતુ ધોરણ 10નું સર્ટિફિકેટ મેળવવા માટે ભાષાની શરત પૂર્ણ કરવી પડશે.
ધોરણ 6થી લાગુ થશે થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલા
CBSEએ અગાઉ જાહેર કરેલા માર્ગદર્શિકા અનુસાર શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ 6થી જ ત્રણ ભાષાનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવશે. આ નવા માળખા હેઠળ વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે, જેમાં ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય હોવી જરૂરી રહેશે. જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી સાથે વિદેશી ભાષાનો અભ્યાસ કરતો હોય તો પણ તેને એક વધારાની ભારતીય ભાષા ભણવી પડશે. અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 8 બાદ ત્રીજી ભાષા છોડતા હતા, પરંતુ હવે તેમને ધોરણ 10 સુધી તેનો અભ્યાસ ચાલુ રાખવો પડશે.
નવી નીતિ સામે કોર્ટમાં પડકાર
CBSEના આ નિર્ણય સામે કાનૂની પડકાર પણ ઊભો થયો છે. કેટલીક અરજીઓમાં આ નિયમનો અમલ વર્ષ 2029-30 સુધી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. આ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતાં જણાવ્યું છે કે, શિક્ષણ સંયુક્ત સૂચિ (Concurrent List)નો વિષય હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનો અધિકાર છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આ નીતિનો હેતુ બહુભાષિત્વને પ્રોત્સાહન આપવાનો, ભારતીય ભાષાઓનું સંરક્ષણ કરવાનો અને વિદ્યાર્થીઓમાં ભાષાકૌશલ્ય વધારવાનો છે. સાથે જ વિવિધ ભારતીય ભાષાઓના અભ્યાસ દ્વારા રાષ્ટ્રીય એકતા પણ વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો: ફ્રેશર્સ માટે એરપોર્ટમાં નોકરીની સુવર્ણ તક : 95 જગ્યાઓ પર ભરતી શરૂ, જાણો કોણ કેવી રીતે કરી શકે અરજી
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શું બદલાશે?
આ નવા નિયમ બાદ CBSE સાથે જોડાયેલી તમામ શાળાઓએ ત્રીજી ભાષાના અભ્યાસ અને મૂલ્યાંકન માટે અલગ આયોજન કરવું પડશે. વિદ્યાર્થીઓએ હવે માત્ર બોર્ડ પરીક્ષાની તૈયારી જ નહીં પરંતુ શાળાના આંતરિક મૂલ્યાંકનને પણ એટલું જ મહત્વ આપવું પડશે. શિક્ષણ નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારતીય ભાષાઓ પ્રત્યે રસ વધશે અને બહુભાષી શિક્ષણને વધુ પ્રોત્સાહન મળશે. જોકે, કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે વધારાના અભ્યાસના ભાર અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. આગામી દિવસોમાં CBSE દ્વારા આ અંગે વધુ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.





