AAI Apprentice Bharti 2026: જો તમે એરપોર્ટ અથવા એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા હોવ અને ફ્રેશર હોવાના કારણે નોકરી મેળવવામાં મુશ્કેલી અનુભવતા હોવ, તો તમારા માટે સારા સમાચાર છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ એપ્રેન્ટિસશિપ તાલીમ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી હેઠળ ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારોને એરપોર્ટ ક્ષેત્રમાં વ્યવહારુ અનુભવ મેળવવાની તક મળશે, જે ભવિષ્યમાં સ્થાયી નોકરી મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. એપ્રેન્ટિસશિપ માત્ર તાલીમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ઉમેદવારોને ઉડ્ડયન ક્ષેત્રની કાર્યપદ્ધતિ સમજવાની, ટેકનિકલ કૌશલ્ય વિકસાવવાની અને પોતાના રિઝ્યૂમને વધુ મજબૂત બનાવવાની તક પણ આપે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુવાહાટી એરપોર્ટ માટે આ ભરતીની જાહેરાત કરી છે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
95 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઈન અરજી શરૂ
AAI દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી સૂચના અનુસાર, કુલ 95 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ITI (ટ્રેડ) કેટેગરીના ઉમેદવારો માટે છે. રસ ધરાવતા ઉમેદવારો AAIની સત્તાવાર વેબસાઇટ www.aai.aero તેમજ NATS અને Apprenticeship India પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો: અચાનક કંપનીએ નોકરીમાંથી કાઢી મુક્યા? : જાણો કર્મચારીઓના કાનૂની અધિકારો
કોણ કરી શકશે અરજી?
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થા દ્વારા આપવામાં આવેલી જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે. ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ઉમેદવારો માટે એન્જિનિયરિંગની કોઈપણ શાખામાં ચાર વર્ષની ડિગ્રી અથવા ત્રણ વર્ષનો નિયમિત ડિપ્લોમા જરૂરી છે.ITI ઉમેદવારો માટે NCVT અથવા SCVT દ્વારા માન્ય ટ્રેડમાં ITI સર્ટિફિકેટ ફરજિયાત છે. જે ઉમેદવારોએ અગાઉ એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરી હોય અથવા હાલમાં એપ્રેન્ટિસશિપ કરી રહ્યા હોય તેઓ આ ભરતી માટે પાત્ર નહીં ગણાય. ઉપરાંત શૈક્ષણિક લાયકાત પૂર્ણ કર્યા બાદ એક વર્ષ કે તેથી વધુનો અનુભવ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે નહીં. આ ભરતીમાં માત્ર ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના (North Eastern Region) પાત્ર ઉમેદવારો જ અરજી કરી શકશે.
સ્ટાઇપેન્ડ કેટલું મળશે?
પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને કેટેગરી મુજબ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – રૂ.15,000 પ્રતિ મહિનો
ટેકનિકલ ડિપ્લોમા એપ્રેન્ટિસ – રૂ.12,000 પ્રતિ મહિનો
ITI/ટ્રેડ એપ્રેન્ટિસ – રૂ.9,600 પ્રતિ મહિનો
વય મર્યાદા અને છૂટછાટ
અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 26 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદાની ગણતરી 28 જુલાઈ, 2026ના આધારે કરવામાં આવશે. સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો લાભ મળશે.
લેખિત પરીક્ષા નહીં, આ રીતે થશે પસંદગી
આ ભરતીની ખાસ વાત એ છે કે ઉમેદવારોને કોઈ લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. સૌપ્રથમ ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલા ગુણના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોને ઈ-મેલ દ્વારા ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી ઇન્ટરવ્યૂ, દસ્તાવેજોની ચકાસણી અને મેડિકલ ફિટનેસના આધારે કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં નિયુક્તિ આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
ઉમેદવારો NATS Portal અને Apprenticeship India (www.apprenticeshipindia.org) મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી લેવામાં આવતી નથી, એટલે તમામ કેટેગરીના ઉમેદવારો મફતમાં અરજી કરી શકે છે. અરજી પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોએ AAIની સત્તાવાર વેબસાઇટ પર સમયાંતરે નજર રાખવી જોઈએ, કારણ કે ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ ચકાસણી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ત્યાં જ જાહેર કરવામાં આવશે.





