Young cricket star Vaibhav Sooryavanshi received a big honor: શુક્રવાર (26 ડિસેમ્બર) ઉભરતા ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી માટે ખૂબ જ ખાસ દિવસ હતો. 14 વર્ષના વૈભવને ભારતમાં બાળકોને આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા વૈભવને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 5 થી 18 વર્ષની વયના બાળકોને રમતગમત, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન, સમાજ સેવા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે. આ વર્ષે, કુલ 20 બાળકોને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે.
વિજય હજારે ટ્રોફીની બીજી મેચ ગુમાવી
રાષ્ટ્રપતિ ભવનમાં હાજરીને કારણે વૈભવ સૂર્યવંશી વિજય હજારે ટ્રોફી (VHT) 2025-26 માં બિહારની બીજી મેચ ગુમાવી. વૈભવ સૂર્યવંશીએ 24 ડિસેમ્બરની મેચમાં અરુણાચલ પ્રદેશ સામે ધમાકેદાર 190 રન બનાવ્યા હતા. તેથી, ફેન્સ બીજી મેચ (26 ડિસેમ્બર) મેચમાં વૈભવ સૂર્યવંશીની બેટિંગ જોવા ઇચ્છતા હતા, પરંતુ એવાર્ડને કારણે તે મેચમાં રમી શક્યો નહીં.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બધા બાળકોને શું કહ્યું
વૈભવ સૂર્યવંશીની ગેરહાજરીનું કારણ ખૂબ જ ખાસ હતું. વૈભવને સમારોહ માટે સવારે વહેલા હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી, અને આ પ્રકારનું સન્માન ખેલાડીના જીવનમાં ફક્ત એક જ વાર આપવામાં આવે છે. સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બધા પુરસ્કાર વિજેતા બાળકોની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "તમારી સિદ્ધિઓ સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા આપે છે. આજે સન્માનિત થયેલ દરેક બાળક સમાન રીતે મહત્વપૂર્ણ છે. આવા પ્રતિભાશાળી બાળકોના કારણે જ ભારત વિશ્વમાં ચમકે છે." રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એમ પણ કહ્યું કે, સમયની મર્યાદાને કારણે દરેક વ્યક્તિનું નામ લેવામાં આવશે નહીં, પરંતુ દરેક બાળકે પોતપોતાના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપ્યું છે. તેમણે બાળકોની સફળતાનો શ્રેય તેમના માતાપિતા અને પરિવારોને પણ આપ્યો.
વિજય હજારે ટ્રોફીમાં ક્યારે આવશે?
હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, વૈભવ સૂર્યવંશી વિજય હજારે ટ્રોફીની હાલની સિઝનમાં રમશે નહીં. તેનું ધ્યાન હવે અંડર-19 ક્રિકેટ પર જશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, 15 જાન્યુઆરીથી શરૂ થનારા અંડર-19 વર્લ્ડ કપ માટે તેને ભારતની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવશે.





















