Home Gujarat Vadodara Vadodara Ward 10 Bjp Protest Makarand Desai Road

વડોદરા વોર્ડ 10માં ભાજપ સામે રોષ : મકરંદ દેસાઈ રોડ પર ‘પત્રિકા યુદ્ધ’થી ગરમાયું રાજકારણ

વડોદરામાં ભાજપ સામે પત્રિકા યુદ્ધ
Play Video
Published by: Niraj Chokshi
Last Updated: Apr 19, 2026, 09:11 AM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા વડોદરા શહેરમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. વોર્ડ નંબર 10માં મતદારોના રોષે હવે ખુલ્લું સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યાં મકરંદ દેસાઈ રોડ પર પેમ્ફલેટ્સ ફેંકીને ભાજપ વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાયો છે. વડોદરા શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ચહલપહલ તેજ બની રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 10માં હાલની પરિસ્થિતિ ભાજપ માટે ચિંતાજનક બની રહી છે.

મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ ભાજપના ઉમેદવારો સામે ખુલ્લો વિરોધ નોંધાવતા રાજકીય ગરમાવો વધ્યો છે. તદારોના અસંતોષ અને ગુસ્સાનો સ્પષ્ટ પ્રતિક્રિયા જોવા મળે છે. આ પેમ્ફલેટ્સ દ્વારા મતદારોએ પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન વિસ્તારમાં વિકાસના નોંધપાત્ર કામો કેમ થયા નથી.

સ્થાનિક રહીશોએ ભાજપના ઉમેદવારો નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાળા સામે સીધી રીતે અસંતોષ વ્યક્ત કર્યો છે. પેમ્ફલેટ્સમાં લખાયેલા સંદેશાઓમાં વિકાસના અભાવ, મૂળભૂત સુવિધાઓની અછત અને નેતાઓની ગેરહાજરી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

‘માસ્ક મેન’ વિવાદે વધાર્યો તણાવ

આ સમગ્ર મામલે વધુ એક વિવાદે આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. માહિતી મુજબ, ઉમેદવાર નીતિન ડોંગા દ્વારા ‘માસ્ક મેન’ તરીકે ઓળખાતા વ્યક્તિને ફોન પર કથિત ધમકી આપવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોમાં એવો સૂર ઉઠ્યો છે કે લોકશાહીમાં મતદારોને ધમકી આપવી સ્વીકાર્ય નથી. આ ઘટનાએ માત્ર એક વ્યક્તિનો મુદ્દો નહીં રહેતા સમગ્ર મતવિસ્તારમાં વિશ્વાસના સંકટને જન્મ આપ્યો છે.

ભાજપ માટે કપરું પડકારજનક પરિસ્થિતિ

વોર્ડ નંબર 10 સામાન્ય રીતે ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. ઉમેદવારોના નામ સામે જ વિરોધ ઊભો થવો પક્ષ માટે ચિંતાનો વિષય છે. મકરંદ દેસાઈ રોડ પર જે રીતે પત્રિકા યુદ્ધ શરૂ થયું છે, તે સૂચવે છે કે મતદારો હવે માત્ર વચનો પર નહીં પરંતુ કામના આધારે નિર્ણય લેવા માંગે છે. આ પ્રકારનો ખુલ્લો વિરોધ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા પણ રાજકીય નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યા છે.

વડોદરા જેવા મહાનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હંમેશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે સીધા નાગરિકોના દૈનિક જીવનને અસર કરે છે. વોર્ડ સ્તરે ઉઠતા પ્રશ્નો શહેરના વિકાસની દિશા નક્કી કરે છે. મતદારો હવે વધુ જાગૃત બની રહ્યા છે અને તેઓ વિકાસના આધારે મતદાન કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તમામ રાજકીય પક્ષો માટે આ એક સ્પષ્ટ સંદેશ છે કે હવે માત્ર વચનો નહીં, પરંતુ કામ જ મત મેળવવાનો આધાર બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now