વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ટુ-વ્હીલર વાહનો તેમજ મકાનોના કમ્પાઉન્ડમાં મુકેલા ગેસ સિલિન્ડરોની ચોરી કરી નાગરિકોમાં ફફડાટ ફેલાવનાર એક રીઢા ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. લોકઅપ ભેગા થયેલા આ શાતિર આરોપીની ધરપકડ સાથે પોલીસે શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 7 જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે ચોરીના વાહનો, ગેસ સિલિન્ડર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 66,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલો ગ્રાઉન્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ ચોરીના વાહન પર ગેસનો બાટલો વેચવા માટે ફરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે શહેરના પોલો ગ્રાઉન્ડ ગેટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી એક્ટિવા મોપેડ પર ગેસ સિલિન્ડર લઈ પસાર થતાં અનીલ દેવજીભાઈ મહીડા (રહે. જાનકીધામ સોસાયટી, સમા કેનાલ રોડ, છાણી, વડોદરા)ને અટકાવ્યો હતો. પોલીસને જોઈને ગભરાઈ ગયેલા અનીલની જ્યારે આગવી ઢબે સઘન પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે પોપટની જેમ ગુનાઓ કબૂલવાનું શરૂ કર્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં જ તેણે માંજલપુર વિસ્તારમાંથી ગેસ સિલિન્ડર અને સુભાનપુરામાંથી એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
એક જ મહિનામાં ત્રાટક્યો, 7 ગુનાઓની કબૂલાત
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ છેલ્લા એક જ મહિના દરમિયાન શહેરના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. તેણે સમા, માંજલપુર અને ફતેગંજ વિસ્તારમાં ઘરની બહાર રાખેલા પાંચ ઇન્ડેન કંપનીના ગેસ સિલિન્ડર ચોર્યા હતા. આ ઉપરાંત, જુદા-જુદા સ્થળોએથી બે હોન્ડા એક્ટિવા અને એક ટીવીએસ જ્યુપીટર મળી કુલ ત્રણ ટુ-વ્હીલર વાહનોની ઉઠાંતરી કરી હતી.
આ પણ વાંચો: જામનગરની ઠેબા ચોકડી ફરી લોહિયાળ બની : બેફામ ટ્રકે 5થી વધુ વાહનોને ઉડાવ્યાં, યુવાન ગંભીર
આ ધરપકડના પગલે વડોદરાના ગોરવા, બાપોદ અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 3 ગુના તેમજ માંજલપુર, સમા અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેસ સિલિન્ડર ચોરીના 4 ગુના મળી કુલ 7 ગુનાઓ ડિટેક્ટ થયા છે.
પોલીસે આરોપી પાસેથી ગુનામાં સંડોવાયેલો નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
રૂ. 66 હજારનો મુદ્દામાલ જપ્ત
બે હોન્ડા એક્ટિવા મોપેડ
ઇન્ડેન કંપનીના પાંચ ગેસ સિલિન્ડર
ઓપ્પો કંપનીનો એક મોબાઇલ ફોન
આરોપી અગાઉ 'પાસા' હેઠળ જેલ જઈ આવ્યો છે
પકડાયેલો આરોપી અનીલ મહીડા કોઈ નવો નિશાળિયો નથી પરંતુ રીઢો ગુનેગાર છે. તે અગાઉ પણ વડોદરા શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરીના અંદાજે ૧૦ જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. તેની આ સતત ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં તેની સામે 'પાસા' (PASA) હેઠળ કડક કાર્યવાહી કરીને રાજકોટ જેલ ભેગો પણ કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તેણે ફરી ચોરીનો ધંધો શરૂ કર્યો હતો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી અને મુદ્દામાલને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપીને આ નેટવર્કમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ લંબાવી છે.





