વડોદરા શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં ગણાતા રાવપુરા વિસ્તારના ભગતસિંહ ચોક પાસે આજે સવારે થયેલા અકસ્માતે ફરી એક વખત શહેરની ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ સામે આવી છે. ન્યાયમંદિર અને દૂધવાળા મહેલ આસપાસનો વિસ્તાર વર્ષોથી અનિયંત્રિત પાર્કિંગના કારણે સમસ્યાગ્રસ્ત રહ્યો છે. આજની ઘટનાએ સ્થિતિને વધુ ઉગ્ર બનાવી છે.
એક સ્કોર્પિયો ગાડીનો ચાલક ભરચક વિસ્તારમાં ફૂલ સ્પીડે ગાડી હંકારી રહ્યો હતો. ત્યારે આગળ જઈ રહેલી સ્વિફ્ટ કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રબળ હતી કે સ્વિફ્ટ કારના પાછળના ભાગને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને રસ્તા પર લોકોના ટોળા એકત્ર થયા હતા.
ટ્રાફિક સમસ્યા યથાવત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીં પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવા છતાં તેનો યોગ્ય અમલ થતો નથી. રોડની બન્ને બાજુ વાહનો પાર્ક થવાથી રસ્તો સાંકળો થઈ જાય છે જેના કારણે વાહનોની અવરજવર વધુ જોખમી બને છે.
આજના અકસ્માતે આ મુદ્દાને ફરી પ્રાથમિકતા આપી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ મળતો નથી. ખાસ કરીને Peak hoursમાં અહીં વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે અને નાના અકસ્માતો સામાન્ય બની ગયા છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં AI વ્હીકલથી ‘કમ્પ્લેઇન ફ્રી’ મોડલ : ફરિયાદ પહેલા જ ખાડા, કચરો અને લીકેજ શોધશે સ્માર્ટ સિસ્ટમ
પોલીસ પહોંચ્યા છતાં હદ મુદ્દે વિલંબ
અકસ્માતની જાણ થતા જ 112 ઈમરજન્સી સેવા હેઠળ પોલીસ સ્થળ પર પહોંચી હતી પરંતુ શરૂઆતમાં વિસ્તાર કયા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે મુદ્દે ગૂંચવણ સર્જાઈ હતી. કેટલાક સમય સુધી પોલીસકર્મીઓ વચ્ચે ચર્ચા ચાલતી રહી કે આ વિસ્તાર તેમના અધિકાર ક્ષેત્રમાં આવે છે કે નહીં.
આ ગૂંચવણને કારણે પ્રાથમિક કાર્યવાહી કરવામાં થોડો વિલંબ થયો હતો. ત્યાર બાદ રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા મામલો હાથમાં લેવામાં આવ્યો અને સમગ્ર ઘટનાની વિગતો એકત્રિત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગાંધીનગર સચિવાલયમાં ઝેરી સાપ દેખાતા હડકંપ : વન વિભાગે કર્યું રેસ્ક્યુ
અલગ-અલગ શહેરોની ગાડીઓ
અકસ્માતમાં સામેલ વાહનોમાં એક અમદાવાદની, એક ગોધરાની અને એક વડોદરા શહેરની ગાડી હોવાનું સામે આવ્યું છે. ગોધરા તરફથી આવેલા કારચાલકે સત્તાવાર ફરિયાદ નોંધાવવા ઈનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે મામલો સમાધાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.
તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ રાખવામાં આવશે. વાહનચાલકોની બેદરકારી, તેજ ગતિ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન જેવા મુદ્દાઓની પણ તપાસ થશે.
શહેર માટે ચેતવણીરૂપ ઘટના
ન્યાયમંદિર અને રાવપુરા જેવા કેન્દ્રિય વિસ્તારોમાં વધતી વાહનસંખ્યા અને અયોગ્ય આયોજને શહેર માટે મોટી ચિંતા સર્જી છે. આ વિસ્તારમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, કડક પાર્કિંગ નિયંત્રણ અને પોલીસના સંકલિત પ્રયાસોની તાતી જરૂર છે. નહીં તો આવનારા સમયમાં આવી ઘટનાઓ વધતી જશે અને લોકોની સુરક્ષા પર ગંભીર અસર પડશે.





