Home Gujarat Vadodara Vadodara Mayor Yogesh Patel Statement

વડોદરાનાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું સ્ફોટક નિવેદન : આયાતી ઉમેદવારને કહ્યું "પગપુરી"

યોગેશ પટેલની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 03, 2026, 02:14 PM IST

વડોદરા શહેરની રાજકીય હવા મેયર અને અન્ય મહાનગરપાલિકા પદોની પસંદગી પહેલાં ગરમાઈ ગઈ છે. માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે સેન્સ પ્રક્રિયા દરમિયાન આપેલા તીખા નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. “આયાતી ઉમેદવારને પગપુરી” જેવી ટિપ્પણી દ્વારા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સ્થાનિક જોડાણ અને સંગઠન સાથેની વફાદારીને પ્રાથમિકતા આપવી જોઈએ.

વડોદરાના નમો કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયામાં શહેરના ધારાસભ્યો, વોર્ડ પ્રમુખો અને સંગઠનના કાર્યકર્તાઓના અભિપ્રાયો એકત્રિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન યોગેશ પટેલના નિવેદનોએ વિશેષ ધ્યાન ખેંચ્યું છે.

‘આયાતી ઉમેદવાર’ પર નિશાન

યોગેશ પટેલે કોઈનું નામ લીધા વગર ‘આયાતી ઉમેદવાર’ શબ્દપ્રયોગ કર્યો કહ્યું “છોકરો ચાલતો ના થાય ત્યારે તેને ઘરના બાધા રાખે,” જેનાથી તેઓએ સંકેત આપ્યો કે સ્થાનિક અનુભવ અને સંસ્થાગત સમજણ વિના કોઈને મહત્વના પદ પર બેસાડવા યોગ્ય નથી.આ ટિપ્પણી સીધી રીતે એવા ઉમેદવારો તરફ ઈશારો કરે છે, જેમનું શહેર સાથે મજબૂત સ્થાનિક જોડાણ નથી અથવા જેમણે સંગઠનના સ્તરે લાંબા સમયથી કામ નથી કર્યું. આ નિવેદનથી પક્ષની અંદર ઉમેદવારી અંગેના મતભેદો બહાર આવી રહ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

આ પણ વાંચો: વડોદરાને ટૂંક સમયમાં મળશે નવા સૂત્રધારો : મેયર અને અન્ય હોદ્દાઓ માટે ભાજપની ‘સેન્સ’ પ્રક્રિયાનો પ્રારંભ

ભૂતકાળના મેયર પર પણ ટિપ્પણી

યોગેશ પટેલે પોતાના નિવેદનમાં ગયા ટર્મના મેયર પર પણ અપ્રત્યક્ષ રીતે નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે “ગયા ટર્મમાં જે મેયર હતા તેવા મેયર વડોદરાને ન મળવા જોઈએ,” યોગેશ પટેલે જણાવ્યું કે અંતિમ નિર્ણય પ્રદેશ મંડળ દ્વારા લેવામાં આવે છે, પરંતુ સ્થાનિક ધારાસભ્યો, વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓનો અભિપ્રાય ખૂબ મહત્વનો હોય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડોદરાને સારો મેયર મળશે.આ પ્રક્રિયામાં પૂર્વ મેયર અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા તેમજ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પણ ભાગ લીધો હતો. બંનેએ આ પ્રક્રિયાને લોકશાહી અને પારદર્શક ગણાવી.

અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ સ્વીકાર્યું કે પૂર જેવી પરિસ્થિતિમાં વ્યવસ્થાપન પૂરતું અસરકારક રહી શક્યું ન હતું. જોકે તેમણે આ પરિસ્થિતિને પ્રાકૃતિક આપત્તિ ગણાવી, પરંતુ સાથે સાથે સુધારાની જરૂરિયાત પણ માની.

આ પણ વાંચો: ધોરણ 12 અને ગુજકેટના પરિણામની ગણાઈ રહી છે ઘડીઓ : આવતીકાલે સવારે 10 વાગ્યે આ લિંક પરથી મેળવો તમારું રિઝલ્ટ

સેન્સ પ્રક્રિયા અને પાર્ટીની આંતરિક વ્યવસ્થા

સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની એક આંતરિક લોકશાહી પદ્ધતિ માનવામાં આવે છે, જેમાં ઉમેદવારો અંગે વિવિધ સ્તરે ફીડબેક લેવામાં આવે છે. નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની માહિતી એકત્રિત કરીને રાજ્ય સ્તરે નિર્ણય લેવામાં આવે છે.

સંભવિત ઉમેદવારો અને રાજકીય ગણિત

હાલમાં મેયર પદ માટે કેટલાક નામોની ચર્ચા તેજ બની છે, જેમાં અજય ડાભી, ચેતન પરમાર અને સમીર વાઘેલા મુખ્ય છે. સંગઠન સાથે જોડાયેલા અને લાંબા સમયથી કાર્યરત કાર્યકર્તાઓને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વિકાસના મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે. શહેરના લોકો વિકાસને કેવી રીતે જોવે છે અને તેમની અપેક્ષાઓ શું છે તે પણ ઉમેદવારી માટે મહત્વપૂર્ણ પરિબળ બની શકે છે. રાજકીય રીતે જોવામાં આવે તો આ વખતે મેયરની પસંદગી માત્ર પદ માટે નહીં, પરંતુ આગામી ચૂંટણીના દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now