Home Gujarat Vadodara Kevadia Road Will Soon Be Traffic Free

વડોદરા–કેવડિયા માર્ગ ટૂંક સમયમાં ટ્રાફિક મુક્ત થશે! : 17 ગામોની 15 લાખ હેક્ટર જમીન સંપાદનની કાર્યવાહી શરૂ

વડોદરા–કેવડિયા માર્ગ ટૂંક સમયમાં ટ્રાફિક મુક્ત થશે!
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 11:41 AM IST

વડોદરા શહેરના કપુરાઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) સુધીના મુખ્ય માર્ગને કાયમી ધોરણે ટ્રાફિકમુક્ત બનાવવા અને હાઈસ્પીડ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાના ભાગરૂપે વડોદરા અને ડભોઈ તાલુકાના કુલ 17 ગામોની અંદાજે 15 લાખ હેક્ટર જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા રેવન્યુ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેનાથી આ વિસ્તારના માળખાકીય વિકાસને નવી દિશા મળશે.

જમીન સંપાદન માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી

ડભોઈના અકોટી ગામથી કુંઢેલાના મહમદપુરા ગામ સુધી કુલ 825 સર્વે નંબરની જમીન સંપાદન માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે માર્ગ પર અવરોધરૂપ બનેલા બાંધકામોને દૂર કરવા માટે અસરગ્રસ્તોને નોટિસો આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉપરાંત, સરકારી સર્વે નંબર 84ની જમીન પણ આ યોજનામાં સંપાદિત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા પલાસવાડા રેલ્વે ફાટક પાસે રોજબરોજ ગંભીર ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. વારંવાર થતા ટ્રાફિક જામ અને અકસ્માતોને કારણે સ્થાનિક નાગરિકો, વાહનચાલકો, રોજિંદા અપડાઉન કરનાર કર્મચારીઓ, પર્યટકો તેમજ વીવીઆઈપી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગ હાલ જોખમી બની ગયો હોવાથી સરકાર માટે તાત્કાલિક પગલું લેવો અનિવાર્ય બન્યું હતું.

માર્ગને પહોળો કરવામાં આવશે

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ડભોઈ તાલુકાના પલાસવાડા, કુંઢેલા, ભીલાપુર, થુવાવી, પુડા, હાંસાપુરા, ફરતીકુઈ, વેગા, થરવાસા, સાઠોડ, ધરમપુરી, વડજ, સીતપુર, ચણવાડા અને અકોટી સહિત વડોદરા તાલુકાના વિવિધ ગામોની ખાનગી જમીન સંપાદિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. યોજનાના અંતર્ગત આ માર્ગને પહોળો કરવામાં આવશે તેમજ પલાસવાડા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. જેના કારણે ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે, મુસાફરીનો સમય ઓછો થશે અને ઈંધણની બચત થશે. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પર્યટકોને વધુ સરળ અને સુરક્ષિત મુસાફરી મળશે. સમગ્ર વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓ વધશે અને માળખાકીય વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now