વડોદરા: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સીઝન શરૂ થતાની સાથે જ સટ્ટાબજાર પણ ગરમાયું છે, ત્યારે વડોદરા શહેર પોલીસે સટ્ટાખોરો વિરુદ્ધ લાલ આંખ કરી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયાની સૂચના હેઠળ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ઝોન-3 એલ.સી.બી. (LCB) ટીમે હાઈટેક રીતે ચાલતા આઈ.પી.એલ. સટ્ટાનો પર્દાફાશ કરીને સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે ગોડાઉનમાં પોલીસનો દરોડો
ઝોન-3 એલ.સી.બી.ની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે એ.એસ.આઈ. કનકસિંહ શિવસિંહ અને હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભાણાભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉન નંબર 33 માં કમલેશ વિનોદભાઈ પરમાર બહારથી માણસો બોલાવીને આઈ.પી.એલ.ની ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડનું આયોજન કર્યું હતું. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે આરોપીઓ ટીવી પર મેચ નિહાળી મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટના માધ્યમથી સટ્ટો રમતા અને રમાડતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી સાત ઇસમોની અટકાયત કરી છે અને એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત
વડોદરા એલ.સી.બી. ઝોન-03ની ટીમ દ્વારા પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન કુલ રૂ. 4,25,840 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસને સ્થળ પરથી રૂ. 25,840 ની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત, સટ્ટાબાજીમાં વપરાતા રૂ. 1,15,000 ની કિંમતના કુલ 07 નંગ મોબાઈલ ફોન અને મેચ નિહાળવા માટે ઉપયોગમાં લેવાતા રૂ. 25,000 ની કિંમતના ટીવી તથા રિમોટ જેવા ઉપકરણો પણ કબજે લેવામાં આવ્યા છે. સાથે જ, પોલીસે આરોપીઓ દ્વારા વપરાશમાં લેવાયેલા રૂ. 2,60,000 ની કિંમતના 04 દ્વિચક્રી વાહનો (એક્ટિવા અને એક્સેસ) પણ જપ્ત કર્યા છે.
આ પણ વાંચો: પતિએ પત્નીને પતાવીને કર્યો સાળાને ફોન : ફોનમાં જે વાત કરી એ જાણીને તમારા રૂવાટાં ઉભા થઈ જશે
પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓની યાદી
પકડાયેલા આરોપીઓના નામ
1. કમલેશ વિનોદભાઈ પરમાર (આજવા રોડ)
2. પિયુષ કનુભાઈ પંચાલ (દંતેશ્વર)
3. નાનુ રાજુભાઈ ચુનારા (બરાનપુરા)
4. સુમિત હરેશભાઈ સબાગવાની (વારસીયા)
5. ગિતેશ ઉર્ફે રોકી દરીયાભાઈ ચોથવાણી (વારસીયા)
6. પુર્વેશ પ્રકાશભાઈ પટેલ (નવાપુરા)
7. પ્રિયાંક કનુભાઈ પટેલ (નવાપુરા)
આ ઉપરાંત, આ નેટવર્ક સાથે સંકળાયેલા ચેતન કહાર ઉર્ફે ભાંજુ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પો.સ.ઇ. એસ.એ. ફૂલધારા અને તેમની એલ.સી.બી. ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે.
કાયદેસરની કાર્યવાહી
પોલીસે તમામ સાતેય આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશન માં જુગાર અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધ્યો છે. આ સટ્ટાના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અન્ય zee કોણ આમાં સામેલ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.





