Home Gujarat Vadodara Vadodara Crocodile Bridge Kamati Baug Vishwamitri River Project

વડોદરામાં બનશે ગુજરાતનો સૌથી અનોખો ‘ક્રોકોડાઇલ બ્રિજ’ : શહેરવાસીઓને મગરના ખુલ્લા મોંમાંથી પસાર થવાનો મળશે અનુભવ! જાણો શું હશે તેની ખાસિયત

Vadodara Crocodile Bridge
Published by: Nirali Gohil
Last Updated: Jun 30, 2026, 05:35 AM IST

Vadodara Crocodile Bridge: વડોદરા શહેરની ઓળખ તરીકે જાણીતી વિશ્વામિત્રી નદી અને તેમાં વસવાટ કરતા મગરો હવે માત્ર કુદરતી વારસો નહીં, પરંતુ શહેરના પ્રવાસન વિકાસનું નવું પ્રતિક બનવા જઈ રહ્યા છે. શહેરના ભાવિ વિકાસ અને પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વડોદરા મહાનગરપાલિકાએ એક અનોખો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રજૂ કર્યો છે. કમાટીબાગ ખાતે વિશ્વામિત્રી નદી પર મગરની થીમ આધારિત ‘ક્રોકોડાઇલ બ્રિજ’ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જે આગામી સમયમાં શહેરના નવા લેન્ડમાર્ક તરીકે ઉભરી શકે છે. વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ દરમિયાન રજૂ કરાયેલા આ પ્રોજેક્ટે શહેરના નાગરિકો તેમજ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ખાસ ઉત્સુકતા જગાવી છે. પાલિકાના જણાવ્યા અનુસાર આ બ્રિજ માત્ર અવરજવર માટેનું માધ્યમ નહીં રહે, પરંતુ વડોદરાની આગવી ઓળખ અને કુદરતી વૈવિધ્યને પ્રદર્શિત કરતું આકર્ષણનું કેન્દ્ર બનશે.

ગરના આકારમાં તૈયાર થશે બ્રિજ

આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેની અનોખી ડિઝાઇન છે. ‘ક્રોકોડાઇલ બ્રિજ’ને આબેહૂબ મગરના આકારમાં વિકસાવવામાં આવશે, જેથી મુલાકાતીઓને જાણે કોઈ વિશાળ મગરના ખુલ્લા મોંમાંથી પસાર થવાનો અનુભવ થાય. વડોદરા અને વિશ્વામિત્રી નદી વચ્ચે વર્ષોથી રહેલું અનોખું જોડાણ મગરો દ્વારા ઓળખાય છે. વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો જોવા મળતા હોવાથી શહેરને દેશભરમાં વિશિષ્ટ ઓળખ મળી છે. હવે આ જ વિશેષતાને પ્રવાસન સાથે સાંકળીને એક નવી ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાયેલી કોન્સેપ્ટ ડિઝાઇન અનુસાર આ બ્રિજ આશરે 57 મીટર લાંબો અને 7.80 મીટર પહોળો હશે. તેમાં મુલાકાતીઓ માટે ખાસ વોકવે અને સાઇકલ ટ્રેકની વ્યવસ્થા કરવામાં આવશે. બ્રિજના મધ્ય ભાગમાં અંદાજે 3 મીટર પહોળો સમર્પિત સાઇકલ ટ્રેક તૈયાર કરવામાં આવશે, જેથી લોકો પ્રકૃતિની વચ્ચે સાયકલિંગનો આનંદ માણી શકે. સાથે જ પદયાત્રીઓ માટે પણ વિશેષ માર્ગ બનાવવામાં આવશે, જે પ્રવાસીઓને એક અનોખો અનુભવ આપશે.

આ પણ વાંચો: આયર્લેન્ડને ગુજરાતમાં રોકાણ માટે CM ભૂપેન્દ્ર પટેલનું આમંત્રણ : ટેક્નોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટમાં સહયોગ વધારવા યોજાઈ બેઠક

LED લાઇટિંગથી રાત્રે વધશે સુંદરતા

પ્રોજેક્ટને વધુ આકર્ષક બનાવવા માટે આધુનિક LED લાઇટિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવશે. રાત્રિના સમયે બ્રિજ પર વિશેષ લાઇટિંગથી મનમોહક દૃશ્યો સર્જાશે, જેના કારણે આ સ્થળ ફોટોગ્રાફી, મોર્નિંગ-ઈવનિંગ વોક અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે લોકપ્રિય બની શકે છે. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી હરિયાળી અને કમાટીબાગના કુદરતી વાતાવરણ વચ્ચે આ બ્રિજ પ્રવાસીઓ માટે એક યાદગાર સ્થળ બની શકે છે.

11.25 કરોડના ખર્ચે તૈયાર થશે પ્રોજેક્ટ

વડોદરા મહાનગરપાલિકાએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજિત ₹11.25 કરોડનો ખર્ચ નક્કી કર્યો છે. પાલિકાનું માનવું છે કે આ પ્રોજેક્ટ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ શહેરના ટુરિઝમ ક્ષેત્રમાં પણ નવી દિશા આપશે. શહેરમાં વધતા પ્રવાસન અને આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારના થીમ આધારિત પ્રોજેક્ટો વડોદરાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો: ભગવાનના દર્શન કરવા ગયેલી મહિલાનું મંગળસૂત્ર ચોરાયું : અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં ચોરીથી ચકચાર, CCTVમાં કેદ થઈ મહિલા ચોરોની કરતૂત

કમાટીબાગને મળશે નવી ઓળખ

કમાટીબાગ પહેલેથી જ વડોદરાનું લોકપ્રિય પર્યટન સ્થળ માનવામાં આવે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ બહારથી આવતા પ્રવાસીઓ મુલાકાત લે છે. હવે ‘ક્રોકોડાઇલ બ્રિજ’ના નિર્માણ બાદ કમાટીબાગનું આકર્ષણ વધુ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવાસન નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડોદરાને એક નવું આઇકોનિક લેન્ડમાર્ક મળશે, જે શહેરની ઓળખને વધુ મજબૂત બનાવશે અને પ્રવાસન ઉદ્યોગને નવી ગતિ આપશે. આગામી વર્ષોમાં આ બ્રિજ શહેરના સૌથી વધુ ચર્ચિત અને ફોટોજેનિક સ્થળોમાં સ્થાન મેળવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now