અમેરિકાના એરિઝોનાના રિપબ્લિકન સાંસદ એલી ક્રેન દ્વારા 'એન્ડ એચ-1બી વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2026' રજૂ કરવામાં આવ્યો છે. આ બિલને અન્ય સાત રિપબ્લિકન સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે. બિલ રજૂ કરનાર સાંસદોનો દાવો છે કે હાલની વિઝા સિસ્ટમનો ઉપયોગ અમેરિકન કામદારોને બદલે સસ્તા વિદેશી મજૂરો લાવવા માટે કરવામાં આવી રહ્યો છે, જે અમેરિકાના નાગરિકોના હિતોની વિરુદ્ધ છે. આ બિલમાં માત્ર પ્રતિબંધ જ નહીં, પરંતુ વિઝા મેળવવાના નિયમોને પણ એટલા કઠિન બનાવવાની દરખાસ્ત છે કે સામાન્ય પ્રોફેશનલ્સ માટે અમેરિકા જવું લગભગ અશક્ય બની જાય. આ બિલનો ઉદ્દેશ્ય મોટી કોર્પોરેટ કંપનીઓના નફાને બદલે અમેરિકન નાગરિકોની આજીવિકાને પ્રાથમિકતા આપવાનો જણાવવામાં આવ્યો છે.
બિલની મુખ્ય અને કડક જોગવાઈઓ: ભારતીયો માટે મુશ્કેલી વધશે
જો આ બિલ અમેરિકી સંસદમાં પસાર થઈને કાયદો બને છે, તો એચ-1બી (H-1B) વિઝાની સમગ્ર પ્રક્રિયા અને તેનું સ્વરૂપ ધરમૂળથી બદલાઈ જશે, જેની સૌથી માઠી અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર પડશે. સૌ પ્રથમ તો, દર વર્ષે આપવામાં આવતા વિઝાની સંખ્યામાં 60% થી વધુનો તોતિંગ ઘટાડો સૂચવવામાં આવ્યો છે; હાલની 65,000ની મર્યાદાને ઘટાડીને માત્ર 25,000 કરી દેવાની દરખાસ્ત છે, જે વિઝા મેળવવાની સ્પર્ધાને અત્યંત જટિલ બનાવી દેશે. એટલું જ નહીં, વિઝા મેળવવા માટેની લઘુત્તમ પગાર મર્યાદા પણ આસમાને પહોંચાડવામાં આવી છે. હવે કોઈપણ પ્રોફેશનલ માટે વાર્ષિક $2,00,000 એટલે કે અંદાજે 1.67 કરોડ રૂપિયાનો પગાર હોવો અનિવાર્ય બનશે, જે સામાન્ય સોફ્ટવેર એન્જિનિયરો માટે એક અશક્ય જેવો લક્ષ્યાંક બની શકે છે.
સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ પણ આ બિલ અત્યંત કડક જોગવાઈઓ ધરાવે છે, કારણ કે તેમાં H-1B વિઝા ધારકોને તેમના પત્ની કે બાળકો જેવા ડિપેન્ડન્ટ્સને અમેરિકા સાથે લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત, વિઝાની પસંદગી માટે વર્ષોથી ચાલી આવતી 'લોટરી સિસ્ટમ'નો અંત લાવીને તેના સ્થાને 'વેજ-બેઝ્ડ સિલેક્શન' એટલે કે સૌથી વધુ પગાર ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવાની પદ્ધતિ દાખલ કરવામાં આવશે. સૌથી ગંભીર બાબત એ છે કે આ બિલ હેઠળ H-1B વિઝા ધારકો માટે કાયમી નાગરિકત્વ એટલે કે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો પણ કાયમ માટે બંધ થઈ શકે છે, જે ભારતીયોના અમેરિકામાં સ્થાયી થવાના સપના પર સીધો પ્રહાર છે.
આ પણ વાંચો: 2018ના અકસ્માત કેસમાં જસ્કીરતના ડિપોર્ટેશન પર કેનેડિયન કોર્ટની રોક : અકસ્માતમાં 16 લોકોએ ગુમાવ્યા હતા જીવ
OPT અને થર્ડ પાર્ટી એજન્સીઓ પર ત્રાટકશે ગાજ
આ બિલમાં માત્ર કામદારો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે પણ માઠા સમાચાર છે. અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓને મળતા ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામને પણ સમાપ્ત કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ સિવાય, થર્ડ પાર્ટી સ્ટાફિંગ એજન્સીઓ દ્વારા H-1B કામદારોને રાખવા પર પણ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે. કંપનીઓએ એ વાતની લેખિત ખાતરી આપવી પડશે કે તેમને કોઈ લાયક અમેરિકન ઉમેદવાર મળ્યો નથી, ત્યારે જ તેઓ વિદેશી વ્યક્તિને નોકરી આપી શકશે.
ભારતીય IT સેક્ટર પર શું થશે અસર?
ભારતીય આઈટી પ્રોફેશનલ્સ H-1B વિઝાનો સૌથી વધુ ઉપયોગ કરનાર જૂથ છે. જો વિઝાની સંખ્યા ઘટે અને લઘુત્તમ પગારની મર્યાદા આટલી ઊંચી જાય, તો ભારતની મોટી આઈટી કંપનીઓ જેવી કે TCS, Infosys અને Wipro માટે અમેરિકામાં બિઝનેસ કરવો ઘણો મોંઘો સાબિત થશે. નિષ્ણાતો આ બિલને અત્યાર સુધીનું સૌથી કડક વિઝા બિલ ગણાવી રહ્યા છે. જોકે, આ બિલ હજુ સંસદમાં રજૂ થયું છે અને તેને કાયદો બનવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.





