Home International Us Visa Cancellation Trump Administration Indian Students Impact

ટ્રમ્પ પ્રશાસનનો સપાટો : એક લાખથી વધુ વિઝા રદ, ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની ચિંતામાં વધારો

ટ્રમ્પ પ્રશાસનનો સપાટો
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 05:32 PM IST

અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે (12 જાન્યુઆરી 2026) એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 1,00,000 થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીમાં અંદાજે 8,000 જેટલા સ્ટુડન્ટ વિઝા અને 2,500 જેટલા સ્પેશિયલ કેટેગરીના વિઝાનો સમાવેશ થાય છે. આ વિશેષ કેટેગરીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમનું નામ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલું છે અથવા જેમને અમેરિકી કાયદાકીય એજન્સીઓ સમક્ષ હાજર થવું પડ્યું છે. અમેરિકી સરકારના જણાવ્યા મુજબ પોતાના નાગરિકોની સુરક્ષા માટે આવા તત્વોને દેશનિકાલ કરવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવશે.

રેકોર્ડબ્રેક કાર્યવાહી: બાઈડન શાસન કરતા બમણા વિઝા રદ

ફોક્સ ન્યૂઝના અહેવાલ પ્રમાણે વર્ષ 2025 દરમિયાન રદ કરવામાં આવેલા વિઝાની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે. આ આંકડો પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનના કાર્યકાળ (વર્ષ 2024) દરમિયાન રદ થયેલા કુલ વિઝા કરતા બમણાથી પણ વધુ છે. અમેરિકી વિદેશ વિભાગે સ્પષ્ટતા કરી છે કે મોટાભાગના વિઝા એવા બિઝનેસ અને ટૂરિસ્ટ પ્રવાસીઓના રદ થયા છે જેઓ વિઝાની સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાઈ રહ્યા હતા.

ગુનાહિત પ્રવૃત્તિઓ પર ટ્રમ્પ સરકારની લાલ આંખ

વિઝા રદ કરવા પાછળ માત્ર ઓવરસ્ટે જ નહીં પરંતુ અન્ય ગંભીર કારણો પણ જવાબદાર છે. જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, શારીરિક હુમલો, ચોરી, ચાઈલ્ડ એબ્યુઝ, છેતરપિંડી અને અન્ય સંગીન ગુનાઓમાં ધરપકડ કે આરોપોનો સામનો કરી રહેલા લોકોનો સમાવેશ થાય છે. ટ્રમ્પ પ્રશાસનની આ કડક નીતિને કારણે અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ત્યાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નિષ્ણાતોના મતે આગામી સમયમાં વિઝા નિયમો વધુ કડક બની શકે છે જેની સીધી અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પર પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now