અમેરિકન ટેરિફને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઘણા મહિનાઓથી કડવાશભર્યા છે. ભારત-પાક યુદ્ધ રોકવાના ટ્રમ્પના અનેક દાવાઓએ આ સંબંધોને વધુ ખરાબ કર્યા છે. પરંતુ હવે ભારત-અમેરિકા સંબંધોમાં સુધારો થવાની આશા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે પોતે કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે, તેમણે મને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે. તેઓ એક મહાન વ્યક્તિ છે. ટ્રમ્પે કહ્યું કે ભારતે હવે મોટા પાયે રશિયા પાસેથી તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે.
ગુરુવારે વ્હાઇટહાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે વડા પ્રધાન મોદી સાથેની તેમની વાતચીત ખૂબ સારી ચાલી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદીએ રશિયા પાસેથી ખરીદી મોટાભાગે બંધ કરી દીધી છે. તેમણે કહ્યું, "તેઓ મારા મિત્ર છે, અને અમે વાત કરીએ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક મહાન માણસ છે." તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદી મારા મિત્ર છે, અને અમે વાત કરીએ છીએ, અને તેઓ ઇચ્છે છે કે હું ત્યાં જાઉં. આપણે ઉકેલ શોધીશું, અને હું જઈશ. વડા પ્રધાન મોદી એક મહાન માણસ છે, અને હું ત્યાં જઈશ."
જણાવી દઈએ કે નોબેલ પુરસ્કાર, ટેરિફ અને તણાવપૂર્ણ ફોન કોલને કારણે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. અમેરિકન મીડિયામાં આ વાતનો અહેવાલ આવ્યો છે. પરિણામે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી ક્વાડ સમિટમાં હાજરી નહીં આપે તેવી ચર્ચા થઈ રહી છે.
ગત મંગળવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ભારત-અમેરિકાના સંબંધો પ્રત્યે સકારાત્મક છે અને ખૂબ જ મજબૂત લાગણી ધરાવે છે. થોડા અઠવાડિયા પહેલા જ્યારે તેમણે વ્હાઇટ હાઉસમાં ઘણા ઉચ્ચ કક્ષાના ભારતીય-અમેરિકન અધિકારીઓ સાથે ઓવલ ઓફિસમાં દિવાળીની ઉજવણી કરી ત્યારે તેમણે વડા પ્રધાન સાથે સીધી વાત કરી હતી.






