યુએસ અને મેક્સિકો વચ્ચે 1944ની જળ સંધિ એક મહત્વપૂર્ણ રાજદ્વારી કરાર છે જેના હેઠળ બંને દેશો એકબીજાને રિયો ગ્રાન્ડે અને કોલોરાડો નદીમાંથી પાણી પૂરું પાડે છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર સંધિનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે મેક્સિકો ટેક્સાસના ખેડૂતો પાસેથી પાણીની ચોરી કરી રહ્યું છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ આરોપ લગાવ્યો, જેનાથી વિવાદ વધુ ઘેરો બન્યો.
1944ની જળ સંધિ અનુસાર, મેક્સિકોએ દર પાંચ વર્ષે રિયો ગ્રાન્ડેમાંથી 1.75 મિલિયન એકર ફૂટ પાણી યુનાઇટેડ સ્ટેટ્સને આપવાનું હોય છે. અમેરિકાએ કોલોરાડો નદીમાંથી મેક્સિકોને વાર્ષિક 1.5 મિલિયન એકર ફૂટ પાણી આપવું પડે છે. આ પુરવઠો ડેમ અને જળાશયોના નેટવર્ક દ્વારા કરવામાં આવે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, મેક્સિકોએ અત્યાર સુધીમાં 2020-2025 સુધી માત્ર 30 ટકા પાણી જ યુએસને મોકલ્યું છે. તમને જણાવી દઈએ કે આ ચક્ર ઓક્ટોબરમાં સમાપ્ત થઈ રહ્યું છે.
ટેક્સાસની એકમાત્ર સુગર મિલ બંધ- ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર દોષારોપણ કરતાં કહ્યું કે ગયા વર્ષે ટેક્સાસની એકમાત્ર સુગર મિલ બંધ થઈ ગઈ કારણ કે મેક્સિકોએ પાણી આપ્યું ન હતું. તેમણે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જો બાઈડેનની ટીકા કરતા કહ્યું કે તેમના વહિવટીતંત્રે ખેડૂતોને મદદ કરી નથી, જ્યારે ટેડ ક્રુઝ જેવા નેતાઓ ટેક્સાસના ખેડૂતો માટે લડી રહ્યા છે. જો કે, ટ્રમ્પના આરોપોનું ખંડન કરતા મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે કહ્યું કે અહીં છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ છે અને જ્યાં સુધી પાણી ઉપલબ્ધ છે ત્યાં સુધી મેક્સિકો સંધિનું પાલન કરી રહ્યું છે.





