Home International Us Iran War Water Plant Attack Chabahar Kuwait Update

અમેરિકા-ઈરાન સંઘર્ષમાં હવે પાણીના પ્લાન્ટ બન્યા નિશાના : બંને તરફથી ગંભીર દાવા

અમેરિકા-ઈરાન સંઘર્ષ દરમિયાન હુમલાથી અસરગ્રસ્ત પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું પ્રતીકાત્મક દૃશ્ય.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 18, 2026, 05:53 PM IST

US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે પાણી પુરવઠાના મહત્વના માળખાઓ પણ નિશાના પર આવ્યા હોવાના દાવાઓ સામે આવ્યા છે. ઈરાને દાવો કર્યો છે કે અમેરિકાએ હોર્મોઝગાન પ્રાંતમાં આવેલા બોન્જી ડિસેલિનેશન (ખારા પાણીને પીવાલાયક બનાવતા) પ્લાન્ટ પર હવાઈ હુમલો કરીને તેને તબાહ કરી દીધો છે. આ હુમલાના કારણે આશરે 20 ગામોના લગભગ 10 હજાર લોકો માટે પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો હોવાનું ઈરાનનું કહેવું છે. બીજી તરફ કુવૈતે આરોપ લગાવ્યો છે કે ઈરાને સતત બીજા દિવસે તેના ડિસેલિનેશન પ્લાન્ટને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. કુવૈતમાં પીવાના પાણીનો મોટો હિસ્સો દરિયાના ખારા પાણીને શુદ્ધ કરીને મેળવવામાં આવે છે. તેથી આવા પ્લાન્ટ પર હુમલો દેશના પાણી પુરવઠા અને જનજીવન માટે ગંભીર પડકાર ઊભો કરી શકે છે.

ચાબહાર પોર્ટ અને વીજળી માળખા પર પણ અસર

ઈરાનના જણાવ્યા અનુસાર, અમેરિકી એરસ્ટ્રાઇકમાં ચાબહાર પોર્ટના કંટ્રોલ ટાવરને પણ નુકસાન થયું છે, જે વેપારી જહાજોની અવરજવર પર નજર રાખતું મહત્વનું કેન્દ્ર હતું. જોકે, ભારત સાથે સંકળાયેલા શાહિદ બેહેશ્તી ટર્મિનલને કોઈ નુકસાન થયું નથી તેવી માહિતી ભારતના વિદેશ મંત્રાલયે આપી છે. ઈરાને પોતાના વીજળી માળખાને પણ હુમલાનો ભોગ બન્યાનું સ્વીકાર્યું છે. ત્યારબાદ સરકારે દક્ષિણ પ્રાંતોના નાગરિકોને વીજળીનો વપરાશ મર્યાદિત રાખવાની અપીલ કરી છે, જેથી જરૂરી સેવાઓ જાળવી શકાય.

બ્રિટનનો મોટો નિર્ણય, IRGC પર વધુ કડક વલણ

આ દરમિયાન બ્રિટને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યો છે. હવે બ્રિટનમાં IRGCને સમર્થન આપવું કાયદેસર ગુનો ગણાશે. આ નિર્ણયથી પશ્ચિમી દેશો અને ઈરાન વચ્ચેના રાજદ્વારી તણાવમાં વધુ વધારો થવાની શક્યતા છે.

અલ ઉદૈદ એરબેઝ પર હુમલાનો ઈરાનનો દાવો

ઈરાને વધુમાં દાવો કર્યો છે કે તેણે કતારમાં આવેલા અમેરિકાના અલ ઉદૈદ એરબેઝને નિશાન બનાવી હુમલો કર્યો હતો. ઈરાનના દાવા મુજબ આ હુમલામાં અમેરિકાની HIMARS રોકેટ સિસ્ટમ સહિતના કેટલાક સૈન્ય ઉપકરણોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને અમેરિકાની તરફથી આ અંગે સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : દેશની પ્રથમ અંડરસી રેલવે ટનલનું ખોદકામ શરૂ

સંઘર્ષના નવા તબક્કાને લઈને વૈશ્વિક ચિંતા

પાણી, વીજળી અને બંદર જેવી નાગરિક સુવિધાઓ સાથે જોડાયેલા મહત્વના માળખાઓ પર હુમલાના દાવાઓ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી રહી છે. વિશ્લેષકોનું માનવું છે કે જો આ પ્રકારના હુમલા વધશે તો તેની સીધી અસર સામાન્ય નાગરિકોના જીવન, પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક વેપાર પર પડી શકે છે. હાલ બંને પક્ષોના અનેક દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને પરિસ્થિતિ પર વિશ્વભરના દેશોની નજર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now