મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે આગામી થોડા દિવસો અત્યંત નિર્ણાયક બનવાના છે. યુદ્ધવિરામ સમાપ્ત થવાના પહેલા અમેરિકાએ શાંતિ માટે ફરી મોટું પગલું ભર્યું છે. પરંતુ સાથે જ ટ્રમ્પના કડક શબ્દોએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે, શું હવે શાંતિ થશે કે યુદ્ધનો રસ્તો ખુલી રહ્યો છે?
મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇરાન વચ્ચે જાહેર કરાયેલ તાત્કાલિક યુદ્ધવિરામ હવે સમાપ્ત થવાની કગારમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ બે અઠવાડિયાનો સીઝફાયર 21 એપ્રિલ, 2026 સુધી માન્ય છે. આ સમયમર્યાદા નજીક આવતા જ વૈશ્વિક રાજકારણમાં ચિંતા વધી ગઈ છે. આ વચ્ચે અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકા ફરી શાંતિ ચર્ચા માટે સક્રિય બન્યું છે. ખાસ કરીને અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર ટૂંક સમયમાં ઇસ્લામાબાદ જવાના છે, જ્યાં ઇરાન સાથે બીજી રાઉન્ડની મહત્વપૂર્ણ વાટાઘાટ યોજાવાની છે.
શાંતિ ચર્ચાનો બીજો રાઉન્ડ કેમ મહત્વનો?
પ્રથમ રાઉન્ડની ચર્ચાઓમાં તણાવ ઘટાડવા માટે કેટલીક સહમતિઓ થઈ હતી, પરંતુ મુખ્ય મુદ્દાઓ હજી પણ અધૂરા છે. હવે આ બીજી બેઠકમાં બંને દેશો માટે નિર્ણાયક મુદ્દાઓ પર સહમતિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. અમેરિકાના આ પગલાને વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જેડી વેન્સ આ વખતે પ્રતિનિધિમંડળમાં સામેલ નહીં હોય તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. તેના બદલે ટ્રમ્પે પોતાના વિશ્વાસુ લોકોને આગળ ધપાવ્યા છે. ટ્રમ્પે એક ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે સ્ટીવ વિટકોફ સોમવારે રાત્રે ઇસ્લામાબાદ પહોંચી જશે અને ત્યારબાદ મંગળવારે યોજાનારી બેઠકમાં કુશ્નર પણ જોડાશે. આ બેઠકને યુદ્ધ અટકાવવાના અંતિમ પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
ટ્રમ્પની કડક ચેતવણીથી વધ્યો તણાવ
શાંતિ પ્રયાસો સાથે જ ટ્રમ્પના નિવેદનોએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કહ્યું કે જો ઇરાન અમેરિકા સાથે કરાર પર સહી નહીં કરે, તો પરિણામ અત્યંત વિનાશક હોઈ શકે છે.
ટ્રમ્પના શબ્દોમાં, “જો સમજૂતી નહીં થાય, તો અમે તેમના પુલ અને પાવર પ્લાન્ટને નષ્ટ કરી દેશું. આખો દેશ તબાહ થઈ શકે છે.” આ નિવેદન માત્ર એક રાજકીય નિવેદન નથી, પરંતુ તે અમેરિકાની સંભવિત સૈન્ય કાર્યવાહી તરફ પણ સંકેત આપે છે. આ કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા વધી છે કે શાંતિ ચર્ચા નિષ્ફળ જાય તો યુદ્ધની શક્યતા વધી શકે છે.
વૈશ્વિક રાજકારણ પર અસર
અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ માત્ર બે દેશો સુધી મર્યાદિત નથી. મિડલ ઈસ્ટ પહેલાથી જ સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં અનેક દેશો અને શક્તિઓ સંકળાયેલી છે. જો આ તણાવ યુદ્ધમાં ફેરવાય છે, તો તેનું અસર વૈશ્વિક તેલ બજાર, આંતરરાષ્ટ્રીય વેપાર અને સુરક્ષા પર પડશે. ખાસ કરીને ભારત જેવા દેશો માટે, જે મિડલ ઈસ્ટ પર ઊર્જા માટે નિર્ભર છે, આ પરિસ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હવે આગળ શું?
આગામી 48 કલાક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. ઇસ્લામાબાદમાં યોજાનારી બેઠકમાં શું નિર્ણય થાય છે તે સમગ્ર વિશ્વની નજરમાં છે.
જો બંને પક્ષો વચ્ચે સહમતિ થાય છે, તો એક મોટો સંકટ ટળી શકે છે. પરંતુ જો ચર્ચા નિષ્ફળ જાય, તો મિડલ ઈસ્ટમાં મોટા સંઘર્ષની શક્યતા ઉભી થઈ શકે છે.





