Home International Us Iran Missile Attack After Ceasefire Gujarati

ફરી ભડક્યો ઈરાન-અમેરિકા સંઘર્ષ! : યુદ્ધવિરામ સમાપ્ત થતાં જ હોર્મુઝ નજીક અનેક વિસ્તારોમાં ધડાધડ વિસ્ફોટ, રેલવે પુલ અને સૈન્ય ઠેકાણાઓ નિશાન પર

America Iran attack
Image Credit: પ્રતિકાત્મક ફોટો
Published by: Suman Dabhi
Last Updated: Jul 09, 2026, 02:50 AM IST

America Iran attack: ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. યુદ્ધવિરામ સમાપ્ત થયાની જાહેરાત બાદ અમેરિકાએ ઈરાનના અનેક વ્યૂહાત્મક વિસ્તારોમાં મિસાઈલ હુમલા કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઉત્તર ઈરાનમાં સૈન્ય પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવતા રેલવે પુલને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ઉપરાંત હોર્મુઝ જળમાર્ગ નજીક આવેલા અનેક સૈન્ય ઠેકાણાઓ પર પણ હુમલાના અહેવાલ છે.

યુદ્ધવિરામ સમાપ્ત થતાં જ હુમલાની શરૂઆત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ સમાપ્ત થયાની જાહેરાત કર્યા બાદ થોડા જ સમયમાં અમેરિકન દળોએ ઈરાનમાં અનેક સ્થળોએ હુમલા શરૂ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. અહેવાલો મુજબ સિરિક અને બંદર અબ્બાસ સહિતના વિસ્તારોમાં મિસાઈલ હુમલાઓ થયા હતા. હુમલાઓ બાદ અનેક સ્થળોએ વિસ્ફોટોના અવાજો સંભળાયા અને સુરક્ષા તંત્ર સતર્ક થઈ ગયું.

હોર્મુઝ નજીકના વ્યૂહાત્મક વિસ્તારો નિશાન પર

માહિતી અનુસાર અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગ નજીક આવેલા બુશેહર, બંદર અબ્બાસ, સિરિક, ઈરાનશહર અને કોનારાક જેવા વિસ્તારોને નિશાન બનાવ્યા. જોકે, અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બુશેહર પરમાણુ પ્લાન્ટને કોઈ નુકસાન પહોંચ્યું નથી. ઈરાનના સરકારી મીડિયા અનુસાર વિવિધ સ્થળોએ કુલ 10 જેટલા વિસ્ફોટ નોંધાયા હતા. હુમલા બાદ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય થઈ ગઈ હતી. ચાબહાર વિસ્તારમાં વીજ પુરવઠા પર પણ અસર થઈ હોવાનું જણાવાયું છે.

સૈન્ય પુરવઠા માટે મહત્વપૂર્ણ રેલવે પુલને નુકસાન

અહેવાલો અનુસાર અમેરિકન હુમલામાં અક્કાલા વિસ્તારમાં આવેલ એક મહત્વપૂર્ણ રેલવે પુલને નુકસાન પહોંચ્યું છે. આ પુલનો ઉપયોગ ઈરાની સૈન્ય પુરવઠા માટે થતો હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત ચાબહાર અને કોનારાક વિસ્તારોમાં પણ અનેક વિસ્ફોટોના અહેવાલ મળ્યા છે.

અમેરિકી સૈન્યનું નિવેદન

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું કે હોર્મુઝ જળમાર્ગમાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોની સુરક્ષા અને અવરજવરને જોખમમાં મૂકવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાના હેતુથી કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાના જણાવ્યા મુજબ વેપારી જહાજો સામે થયેલા હુમલાઓ માટે ઈરાનને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પનું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાઓ અંગે જણાવ્યું કે અમેરિકા સૈન્ય દૃષ્ટિએ મજબૂત સ્થિતિમાં છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ઈરાન સમજૂતી કરવા ઇચ્છે છે, પરંતુ તે કોઈપણ કરારનું પાલન કરશે કે નહીં તે અંગે તેમણે શંકા વ્યક્ત કરી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે વેપારી જહાજો પર થયેલા હુમલાઓને ગંભીરતાથી લેવામાં આવ્યા છે.

કુવૈતમાં પણ હવાઈ સંરક્ષણ સક્રિય

પ્રાદેશિક તણાવ વચ્ચે કુવૈતે પણ પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને સક્રિય કરી છે. કુવૈતી સેનાએ જણાવ્યું કે દુશ્મનના સંભવિત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ સામે રક્ષણાત્મક કાર્યવાહી ચાલી રહી છે. લોકોને સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચ્યા PM મોદી : યુરેનિયમથી લઈને ડિફેન્સ અને વેપાર સુધી અનેક મુદ્દાઓ પર થશે મહત્વપૂર્ણ ચર્ચા

વધતા તણાવ વચ્ચે વૈશ્વિક ચિંતા

હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. આ વિસ્તારમાં વધતો સૈન્ય તણાવ વૈશ્વિક ઊર્જા પુરવઠા અને આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર કરી શકે છે. વિશ્વના અનેક દેશો હાલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now