ઉમેદવારો પોતાના રોલ નંબર તૈયાર રાખે, upsc.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે મેરિટ લિસ્ટની PDF
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ (પ્રિલિમિનરી) પરીક્ષા 2026 નું પરિણામ હવે ગમે તે ક્ષણે જાહેર થઈ શકે છે. જે ઉમેદવારોએ આ વર્ષે પરીક્ષા આપી છે, તેઓ ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે. કમિશન દ્વારા પરિણામની સાથે લાયક ઉમેદવારોના રોલ નંબર વાળી મેરિટ લિસ્ટની PDF પણ જાહેર કરવામાં આવશે.
મે 24 ના રોજ લેવાઈ હતી પરીક્ષા
UPSC દ્વારા આ વર્ષે સિવિલ સર્વિસિસ પ્રિલિમ્સ પરીક્ષા May 24, 2026 ના રોજ દેશભરના વિવિધ કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી. આ વર્ષે કુલ 933 વેકેન્સી (CSE) અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFoS) ની 80 વેકેન્સી માટે અંદાજે 8,19,372 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી આશરે 5.49 લાખ ઉમેદવારો પ્રિલિમ્સ પરીક્ષામાં હાજર રહ્યા હતા.
UPSC ના જૂના ટ્રેન્ડને જોતાં, સામાન્ય રીતે પરીક્ષાના 15 થી 17 દિવસની અંદર પ્રિલિમ્સનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે છે. આથી જ સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિણામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ વર્ષે પ્રથમ વખત આન્સર કી વહેલી જાહેર કરાઈ
UPSC એ આ વર્ષે એક મોટો ફેરફાર કર્યો છે. દાયકાઓ જૂની પરંપરાને તોડીને કમિશને પરીક્ષાના માત્ર 4 જ દિવસ બાદ એટલે કે May 28, 2026 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી (Provisional Answer Key) જાહેર કરી દીધી હતી. સામાન્ય રીતે UPSC આખી પરીક્ષા પ્રક્રિયા (ઇન્ટરવ્યુ સહિત) પૂરી થયા પછી જ આન્સર કી જાહેર કરતું હોય છે. આ વહેલી આન્સર કીના કારણે ઉમેદવારો પહેલાથી જ પોતાના સંભવિત સ્કોરનો અંદાજ લગાવી ચૂક્યા છે અને હવે ફાઇનલ રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ રીતે ડાઉનલોડ કરી શકાશે રિઝલ્ટ PDF
UPSC પ્રિલિમ્સનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારો નીચેના સ્ટેપ્સ ફોલો કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે:
સૌથી પહેલા UPSC ની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
હોમ પેજ પર દેખાતા "Written Results" અથવા "What's New" સેક્શન પર ક્લિક કરો.
ત્યાં "Civil Services (Preliminary) Examination, 2026" રિઝલ્ટની લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરો.
સ્ક્રીન પર એક નવું PDF પેજ ખુલશે, જેમાં પાસ થયેલા ઉમેદવારોના રોલ નંબર હશે.
ઉમેદવારો Ctrl + F નો ઉપયોગ કરીને પોતાનો રોલ નંબર સર્ચ કરી શકે છે.
મહત્વની નોંધ: પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ ઓગસ્ટ મહિનામાં યોજાનારી UPSC Mains Exam 2026 માં બેસવા માટે પાત્ર ગણાશે. UPSC સિવિલ સર્વિસિસ મેઇન્સ પરીક્ષા August 21, 2026 થી શરૂ થવાની સંભાવના છે. પ્રિલિમ્સના કટ-ઓફ માર્ક્સ અને ઉમેદવારોના વ્યક્તિગત માર્કશીટ ફાઇનલ રિઝલ્ટ જાહેર થયા બાદ જ રીલીઝ કરવામાં આવશે.






