Home Gujarat Unseasonal Rains In Mahisagar District In The Middle Of Winter

મહીસાગર જિલ્લામાં ભર શિયાળે કમોસમી વરસાદ : ખેડૂતોના માથે ચિંતાના વાદળો, ખેતી પર ભારે અસર

મહીસાગર જિલ્લામાં ભર શિયાળે કમોસમી વરસાદ
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 08:26 AM IST

Mahisagar rain: મહીસાગર જિલ્લોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભર શિયાળાના સમયગાળામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ખાસ કરીને ખાનપુર તાલુકાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે રોડ રસ્તાઓ ભીંજાયા હતા અને સવારના સમયે અવરજવર કરતા લોકો માટે અસુવિધા સર્જાઈ હતી.

વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારથી જ ઠંડા પવન સાથે આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા. થોડા સમય બાદ હળવા ઝાપટાં શરૂ થતાં વાતાવરણમાં ભેજ વધી ગયો હતો. જો કે વરસાદ વધુ સમય સુધી રહ્યો નહોતો અને થોડા સમય પછી બંધ થઈ ગયો હતો, તેમ છતાં આ અચાનક આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

વરસાદની માત્રા વધે તો પાકમાં રોગચાળો ફેલાવાની ભીતિ

જિલ્લામાં આ સમયે ઘઉં, ચણા, રાઈ સહિતના રવિ પાકો ઉભા છે. આવા સમયે કમોસમી વરસાદ પડવાથી પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. ખાસ કરીને જો વરસાદની માત્રા વધે તો પાકમાં રોગચાળો ફેલાવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત બાગાયતી પાકો, શાકભાજી અને ઘાસચારાને પણ અસર થવાનો ભય છે, જેના કારણે પશુપાલકો પણ ચિંતિત બન્યા છે.

અણધાર્યા ફેરફારોના કારણે ખેતી વ્યવસાય જોખમભર્યો

ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી હવામાનમાં થતા અણધાર્યા ફેરફારોના કારણે ખેતી વ્યવસાય જોખમભર્યો બનતો જઈ રહ્યો છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અચાનક કમોસમી વરસાદ ખેતી પર ભારે અસર કરે છે. મહીસાગર જિલ્લામાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં હજુ પણ વાતાવરણ બદલાયેલું રહેતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયેલા છે.

ફરી વરસાદી ઝાપટાં પડ્યા

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ અંગે આગાહી પર સૌની નજર છે. જો ફરી વરસાદી ઝાપટાં પડ્યા તો નુકસાનની શક્યતા વધશે તેવી આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. હાલ તો જિલ્લાના ખેડૂતોએ ભગવાન ભરોસે પાક બચી રહે તેવી આશા રાખી છે અને આકાશ તરફ મંડરાતાં વાદળો તરફ ચિંતાભરી નજરે જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now