દરેક માટે કાયદો એકસમાન છે. અને જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે. મતલબ કે કાયદાની દ્રષ્ટિએ હવે અહીં તમામ ધર્મ અને જાતિના લોકોને એકસમાન ગણાશે. લગ્ન કરવા હોય તો રજીસ્ટ્રેશન કરવું પડશે. લીવ-ઈનમાં રહેવું હોય તો એનું પણ રજીસ્ટ્રેશન કરવું પડશે. માતા-પિતાની મંજૂરી વગર લીવ-ઈનમાં રહેવાનું તો ભૂલી જજો. અને બીજુ બધુ ઘણુ. આ UCC લાગુ થયા બાદ બદલાવાનું છે. ત્યારે આવો જાણીએ UCC કાયદો લાગુ થયા બાદ કેવા બદલાવ જોવા મળશે?
ઉત્તરાખંડ સરકારનો ઐતિહાસિક નિર્ણય
ઉત્તરાખંડ ભારતનું પહેલું રાજ્ય છે, જેને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યુ છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા કાયદો. મતલબ કે ઉત્તરાખંડમાં તમામ ધર્મના લોકો માટે એકસમાન કાયદો. હવે ઉત્તરાખંડમાં લગ્ન, રિલેશનશીપ, પ્રોપર્ટી સહિતના મુદ્દાઓમાં એકસમાન કાયદો જ લાગુ થશે. આ કાયદો લાગુ થતા લગ્ન અને તલાકના નિયમ તમામ નાગરિકો માટે એકસરખા થઈ ગયા છે. ત્યારે આ કાયદા અંતર્ગત કયા કયા બદલાવ જોવા મળશે તેના પર નજર કરીએ.
લગ્ન માટે ફરજિયાત રજીસ્ટ્રેશન
યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત લગ્ન માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. લગ્નના રજીસ્ટ્રેશન માટે સરકારી કચેરીઓના ધક્કા ના ખાવા પડે તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે. 27 માર્ચ, 2010 બાદથી જે લગ્ન થયા હોય તે લોકોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
છૂપાવી નહીં શકાય લીવ ઈન રિલેશનશીપ
યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત ઉત્તરાખંડમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હોવ તો માતા-પિતાને ફરજિયાત જાણ કરવી પડશે. લીવ ઈન રિલેશનશીપમાં રહેનારા કપલે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો રિલેશન પૂર્ણ થઈ જાય તો તેની પણ જાણ કરવી પડશે. લીવ-ઈન દરમિયાન જો બાળક જન્મે તો તેને કાયદેસર ગણાશે, મહિલા ભરણપોષણની રકમ માગણી કરી શકશે. જો સૂચના આપ્યા વિના એક મહિના કરતા પણ વધુ સમય લીવ ઈનમાં કપલ રહ્યા હશે તો તેમને રૂ.10 હજારનો દંડ થઈ શકે છે. આ જાણકારીને ગોપનીય રાખવામાં આવશે.
દીકરા-દીકરી વચ્ચે સમાનતા
ઉત્તરાખંડમાં આ કાયદા અંતર્ગત સંપત્તિમાં સંતાનો વચ્ચે ભેદભાવ કરી શકાશે નહીં. તમામ ધર્મ અને જાતિમાં દીકરાઓની સાથે દીકરીઓ પણ પોતાના માતા-પિતાની સંપત્તિના સમાન હકદાર રહેશે. ના માત્ર દીકરા –દીકરી પરંતુ તે સંપત્તિ પર મા-બાપનો તો હક રહેશે. મતલબ કે સંતાનો તેમના માતા-પિતાનો હક છીનવી શકશે નહીં.
હલાલા અને છૂટાછેડા વિના વધારે લગ્ન પર રોક
મુસ્લિમ ધર્મમાં જે હલાલા પ્રથા હોય છે, તેના પર હવે યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત રોક લગાવવામાં આવ્યો છે. આ સાથે એક વ્યક્તિના છૂટાછેડા વિના વધુ લગ્ન કરવા પર પણ રોક લગાવાઈ છે.
આ સિવાય યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત કોઈપણ ધર્મમાં 18 વર્ષથી નાની વયની વ્યક્તિના લગ્ન કરવા પર રોક લગાવવામાં આવ્યો છે. પુરૂષો માટે 21 વર્ષ તો સ્ત્રીઓ માટે 18 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. તે સિવાય સંપૂર્ણ મિલકત પર વસિયત બનાવી શકાશે, લગ્નની સાથે ડિવોર્સ માટે પણ ફરજિયાત રજીસ્ટ્રેશનનો નિયમ લાગુ કરાયો છે. બીજા ધર્મના બાળકોને પણ દત્તક નહીં લઈ શકાય. મહત્વનું છે કે યુનિફોર્મ સિવિલ કોડ કાયદામાં અનુચ્છેદ 342માં દર્શાવવામાં આવેલી અનુસૂચિત જનજાતિને બાકાત રાખવામાં આવે છે. આ જનજાતિઓના રીતરિવાજોને સંરક્ષણ આપવામાં આવ્યું છે... આ સિવાય ટ્રાન્સજેન્ડરોને પણ આ નિયમો લાગુ પડશે નહીં.





