Home Gujarat Unbearable Heat Forecas In States For The Next 90 Days There Will Be No Relief Even At Night Know The Situation In Your State

આગામી 90 દિવસ 'ભુક્કા' કાઢશે ગરમી : દિવસ તો ઠીક પણ રાત્રે પણ નહીં મળે રાહત, જાણો તમારા રાજ્યની સ્થિતિ

આગામી 90 દિવસ 'ભુક્કા' કાઢશે ગરમી
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 05:05 AM IST

ભારતીય હવામાન વિભાગ (IMD) એ વર્ષ 2026 ના ઉનાળાને લઈને અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. માર્ચ મહિનાથી શરૂ થતા આગામી ત્રણ મહિના એટલે કે મે મહિના સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહેવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે આ વર્ષે ઉનાળો તેના તમામ રેકોર્ડ તોડી શકે છે. ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે. હવામાન નિષ્ણાતોના મતે, આ વખતે વાતાવરણમાં એવા ફેરફારો જોવા મળી રહ્યા છે કે દિવસના તાપમાનની સાથે રાત્રિના તાપમાનમાં પણ મોટો ઉછાળો આવશે, જેના કારણે "હોટ નાઈટ્સ" અથવા ગરમ રાતોનો અનુભવ સામાન્ય બનશે અને લોકોને એસી કે પંખા હોવા છતાં ગરમીમાંથી રાહત મળવી મુશ્કેલ બનશે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં 'હીટવેવ'નું જોખમ

IMD મુજબ, પૂર્વ અને મધ્ય ભારત તેમજ દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં હીટવેવ (ગરમ પવનો) ના દિવસોમાં નોંધપાત્ર વધારો થશે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ ગરમીનું પ્રચંડ દબાણ જોવા મળશે. આ વિસ્તારોમાં ગરમીના મોજા સામાન્ય કરતા વધુ સમય સુધી ટકી શકે છે, જે સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.

તાપમાનમાં 7 ડિગ્રી સુધીના વધારાની આશંકા

આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ ભારતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો સીધો વધારો થઈ શકે છે. કેટલીક જગ્યાએ તો પારો સામાન્ય કરતા 4 થી 7 ડિગ્રી સુધી ઉંચો જઈ શકે છે. મધ્ય ભારતમાં પણ સરેરાશ 2 થી 4 ડિગ્રીનો વધારો નોંધાશે. સૌથી ચિંતાની વાત એ છે કે રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન પણ ઉંચુ રહેશે, જે શરીરને ઠંડક મેળવવાની તક આપશે નહીં.

માર્ચમાં ગરમીની સાથે વરસાદની પણ એન્ટ્રી

એક તરફ ગરમી વધશે તો બીજી તરફ માર્ચ મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્ય રહેવાની પણ ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 83% થી 117% વચ્ચે વરસાદ થઈ શકે છે. માર્ચમાં સામાન્ય રીતે 29.9 મીમી વરસાદ થતો હોય છે, જે આ વર્ષે પણ જળવાઈ રહેશે. જોકે, આ વરસાદ છૂટોછવાયો અને પશ્ચિમી વિક્ષેપને કારણે હોઈ શકે છે.

જેટ સ્ટ્રીમની અસર: ખેડૂતો માટે ચિંતાના સમાચાર

હાલ ઉત્તર-પશ્ચિમ ભારતના વાતાવરણમાં 12.6 કિમીની ઊંચાઈએ અત્યંત ગતિશીલ 'જેટ સ્ટ્રીમ' સક્રિય છે. 120 નોટની ઝડપે ફૂંકાતા આ પવનોને કારણે હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં 20 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ તેજ પવન અને ક્યાંક હળવા વરસાદ કે કરા પડવાની શક્યતાને લીધે ઉભા પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતોને તેમના પાકની સુરક્ષા માટે સાવચેતી રાખવા અને હવામાનના અપડેટ્સ ચેક કરતા રહેવા સલાહ આપવામાં આવી છે.

ગરમીથી બચવા શું કરવું?

  • બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળો.

  • શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પ્રવાહી પીવો.

  • હળવા અને સુતરાઉ કપડાં પહેરવાનો આગ્રહ રાખો.

  • ખેતીકામ કરતા લોકોએ તેજ પવનની આગાહી મુજબ સિંચાઈનું આયોજન કરવું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now