ફ્રાન્સે જાહેરાત કરી છે કે યુક્રેન આગામી દાયકામાં 100 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે આ ખરીદી માટે ઇરાદા પત્ર (Letter of Intent) પર સહી થઈ છે. રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી ફ્રાન્સ પ્રવાસે છે અને એમેન્યુઅલ મેક્રોન સાથેની બેઠક બાદ આ નિર્ણય જાહેર થયો છે.
યુક્રેન પર રશિયાના સતત ડ્રોન અને મિસાઇલ હુમલાઓ વચ્ચે આ નિર્ણયને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પેરિસે સ્પષ્ટ કર્યું છે કે સોદામાં ફક્ત વિમાન નહીં પરંતુ હવાઈ સંરક્ષણ સાધનો, બોમ્બ અને લશ્કરી ડ્રોન પણ સામેલ રહેશે.
ફ્રાન્સે વધુમાં જણાવ્યું છે કે આ રાફેલ વિમાનો વર્તમાન ભંડારમાંથી નહીં આપવામાં આવે, પરંતુ નવા ઉત્પાદનના ઓર્ડર દ્વારા મોકલવામાં આવશે. યુક્રેનિયન પાઇલટ્સ માટે વિશેષ તાલીમની વ્યવસ્થા પણ કરવામાં આવશે. અગાઉ ફ્રાન્સે મિરાજ ફાઇટર જેટ અને એસ્ટર 30 મિસાઇલ સિસ્ટમ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
ઈરાદા પત્રનો અર્થ
આ કરારમાં હજી વાસ્તવિક ખરીદીનો તબક્કો આવ્યો નથી, પરંતુ યુક્રેનની સત્તાવાર ઇચ્છા નોંધાઈ છે. આ ખરીદી રશિયન સંપત્તિઓમાંથી મળનારી રકમ દ્વારા ફંડ થશે જે યુરોપમાં જપ્ત છે… જો કે EU તરફથી અંતિમ મંજૂરી બાકી છે.
આંતરરાષ્ટ્રીય ગઠબંધનની તૈયારી
ફ્રાન્સ અને બ્રિટન મળીને લગભગ 30 દેશોનું ગઠબંધન ઉભું કરવા માંગે છે, જે યુક્રેન અથવા તેની સરહદ પર સૈનિકી તૈનાતી અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડશે. ઉદ્દેશ્ય યુક્રેનને લાંબા ગાળે રક્ષા ક્ષમતા અને આર્થિક સહાય પૂરી પાડવાનો છે.
સૈનિક નિષ્ણાતોનું માનવું છે કે 100 રાફેલ જેટ સાથે યુક્રેનનું હવાઈ તાકાતનું સમીકરણ બદલાઈ શકે છે અને રશિયાની હવાઈ શક્તિ સામે સઘન પ્રતિરોધ ઉભો કરી શકે છે.




















