Home International Uk Ireland Anti Immigration Protests Belfast Violence

આયર્લેન્ડ-બ્રિટનમાં ફાટી નીકળ્યા રમખાણો : પ્રવાસીઓ અને દુકાનો નિશાન પર

Anti-immigration violent riots in Britain and Ireland
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 11, 2026, 02:58 AM IST

આયર્લેન્ડ-બ્રિટનમાં ફાટી નીકળ્યા રમખાણો: ગાડીઓ ફૂંકવામાં આવી, ઘરો-દુકાનોમાં લૂંટફાટ

આયર્લેન્ડના બેલફાસ્ટ (Belfast) શહેરમાં એક આઇરિશ વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલા બાદ સ્થિતિ વણસી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં શરૂ થયેલા પ્રદર્શનોએ હવે મોટા ઇમિગ્રેશન વિરોધી (anti-immigration) રમખાણોનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આયર્લેન્ડ અને બ્રિટનના 12થી વધુ સ્થળોએ હિંસા, આગચંપી અને લૂંટફાટની ઘટનાઓ સામે આવી છે. બેલફાસ્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં મોઢા પર માસ્ક પહેરેલા ટોળાએ ઘરો, દુકાનો, જાહેર બસો અને કારોને નિશાન બનાવી છે.

બેલફાસ્ટના ન્યુટાઉનઆર્ડ્સ રોડ પર અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ ઉપરાંત, શેંકિલ વિસ્તારમાં દુકાનો લૂંટવામાં આવી છે અને એક આફ્રિકન પ્રવાસીની દુકાનને પણ આગના હવાલે કરી દેવાઈ છે. લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર અને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં પણ ઇમિગ્રન્ટ્સ વિરોધી પ્રદર્શનો દરમિયાન ભારે હિંસા જોવા મળી છે.

હિંસાની શરૂઆત કેવી રીતે થઈ?

આ સમગ્ર વિવાદની શરૂઆત બેલફાસ્ટમાં થયેલી એક છરીબાજીની ઘટના બાદ થઈ હતી. સુદાનના એક શરણાર્થી અને 44 વર્ષીય સ્થાનિક આઇરિશ વ્યક્તિ સ્ટીફન ઓગિલ્વી (Stephen Ogilvie) વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન આરોપીએ છરી વડે તેનું ગળું કાપવાનો અને જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં આઇરિશ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની એક આંખની રોશની જતી રહી હોવાના અહેવાલ છે. આ ઘટનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાના આરોપીનું નામ હાદી અલોદિદ (Hadi Alodid) છે, જેની ઉંમર 30 વર્ષ છે. તે સુદાનથી પેરિસ અને ત્યાંથી ડબલિન થઈને 2023માં બેલફાસ્ટ પહોંચ્યો હતો, જ્યાં તેણે શરણ માગી હતી. તેને બ્રિટનમાં 2028 સુધી રહેવા માટે વિઝાની મંજૂરી મળેલી છે. હાલમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.

સોશિયલ મીડિયા પર હિંસા ભડકાવવાના આક્ષેપો

જમણેરી અને પ્રવાસી વિરોધી સંગઠનોએ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી શેર કર્યો હતો. કટ્ટરપંથી નેતા ટોમી રોબિન્સને (Tommy Robinson) આ વીડિયો શેર કરીને સમગ્ર બ્રિટનમાં લોકોને રસ્તા પર ઉતરી આવવા અપીલ કરી હતી. આ અપીલ બાદ હજારો નકાબપોશ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસા શરૂ થઈ હતી.

બીજી તરફ, બ્રિટનના વડાપ્રધાન કીથ સ્ટારમરે (Keir Starmer) આ છરીબાજીની ઘટનાને અત્યંત ગંભીર અને ચિંતાજનક ગણાવી છે, પરંતુ સાથે જ તેમણે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારા તત્વો સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.

પ્રવાસીઓમાં ભયનો માહોલ અને નમાઝ પર રોક

બેલફાસ્ટમાં ઇમિગ્રન્ટ્સના ઘરો પર હુમલા થતાં અનેક પરિવારો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. તોફાની તત્વો દ્વારા ‘વિદેશીઓ બહાર નીકળો’ તેવા નારા લગાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક પાદરી જેક મેકીએ જણાવ્યું કે, નિર્દોષ લોકોએ માત્ર તેઓ પ્રવાસી હોવાના કારણે પોતાના ઘર છોડવા પડ્યા છે. સેન્ડી રો વિસ્તારમાં સુદાની વેપારીઓએ પોતાની દુકાનો વહેલી બંધ કરી દીધી હતી, જ્યારે સુરક્ષાના કારણોસર બેલફાસ્ટ ઇસ્લામિક સેન્ટરે સાંજની નમાઝ પણ અટકાવી દીધી હતી.

ઘાયલ થયેલા આઇરિશ વ્યક્તિના પરિવારે પણ શાંતિ જાળવવાની અપીલ કરી છે. પરિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "આ દેશના વિકાસમાં પ્રવાસીઓનું મોટું યોગદાન છે. અમે નથી ઈચ્છતા કે આ દુઃખદ ઘટનાનો ઉપયોગ લોકોમાં નફરત ફેલાવવા કે સમાજને વહેંચવા માટે કરવામાં આવે."

ઇલોન મસ્ક અને રાજકીય પક્ષોના નિવેદન

જાણીતા ઉદ્યોગપતિ ઇલોન મસ્કે (Elon Musk) પણ સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનો અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મોટા ફેરફારો આવા જોરદાર વિરોધ પ્રદર્શનોથી જ આવતા હોય છે. બ્રિટનની રાઇટ-વિંગ પાર્ટી 'રિફોર્મ યુકે' (Reform UK) એ આ હિંસા માટે સરકારની ઢીલી પ્રવાસ નીતિને જવાબદાર ઠેરવી છે અને વિઝા પર કડક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

જ્યારે સ્થાનિક સાંસદ ક્લેર હન્નાએ (Claire Hanna) ઇલોન મસ્ક અને નાઇજલ ફરાજ જેવા નેતાઓ પર સોશિયલ મીડિયા દ્વારા ભડકાઉ વાતાવરણ ઊભું કરવાનો અને હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રભાવિત વિસ્તારોમાં ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now