Home Gujarat Surat Udhna Railway Station Crowd Normal Situation Monday Update

ઉધના રેલવે સ્ટેશન પર રવિવારની 'રેલમછેલ' બાદ સોમવારે શાંતિ : ભીડ ગાયબ થતા મુસાફરોએ લીધો રાહતનો શ્વાસ

Surat Railway News
Published by: Nirali Gohil
Last Updated: Apr 20, 2026, 09:56 AM IST

Surat Railway News: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે જોવા મળેલી પરપ્રાંતિય શ્રમિકોની અભૂતપૂર્વ ભીડ અને ધક્કામુક્કી બાદ આજે સોમવારે પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે પડી છે. રવિવારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હજારોની સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો વતન જવા માટે ઉમટી પડતા અંધાધૂંધ જેવી સ્થિતિ પેદા થઈ હતી. જોકે, આજે સોમવારે સવારે જ્યારે સ્ટેશનના દ્રશ્યો સામે આવ્યા ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. જે સ્ટેશન પર પગ મૂકવાની જગ્યા નહોતી, ત્યાં આજે સાવ શાંતિપૂર્ણ માહોલ છે. લાંબી લાઈનો ગાયબ થઈ ગઈ છે અને સ્ટેશન પરિસર લગભગ ખાલી દેખાઈ રહ્યું છે. પ્રશાસન અને મુસાફરો બંને માટે આ ખૂબ જ રાહતના સમાચાર છે.

ધક્કામુક્કી બંધ, ટિકિટ બારીઓ પર હવે સહેલાઈથી મળે છે સેવા

શનિવાર અને રવિવાર દરમિયાન ટિકિટ લેવા માટે મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી અને અનેક જગ્યાએ ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રેનમાં ચઢવા માટે શ્રમિકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેની સામે આજે સોમવારે સ્થિતિ સાવ વિપરીત છે. ટિકિટ બારીઓ પર હવે કોઈ ભીડ નથી અને મુસાફરોને સહેલાઈથી ટિકિટ મળી રહી છે. મુસાફરો કોઈ પણ જાતની મુશ્કેલી વગર આરામથી ટ્રેનમાં સવાર થઈ રહ્યા છે.

આ પણ વાંચો: સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોમાં કેમ સર્જાઇ અરાજકતા? : જાણો પાણી માટે લૂંટ, લાઠીચાર્જ અને હાહાકાર પાછળના કારણો

વ્યવસ્થા ફરી નોર્મલ ટ્રેક પર, પ્રશાસને લીધો શ્વાસ

રેલવે પ્રશાસન અને સ્થાનિક પોલીસ માટે રવિવારનો દિવસ ભારે પડકારજનક રહ્યો હતો, પરંતુ સતત મોનિટરિંગ અને વધારાની ટ્રેનોના આયોજનને કારણે ભીડનું ભારણ ઓછું કરવામાં સફળતા મળી છે. સ્થાનિકો માટે પણ આજે ઉધના સ્ટેશન કોઈ સામાન્ય દિવસ જેવું જ દેખાઈ રહ્યું છે. મુસાફરોને હવે કોઈ પણ પ્રકારના ગભરાટ વગર મુસાફરી કરવા માટે રેલવે દ્વારા અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now