Home International Trump Mission Iran War Goals Khamenei Death Trump Four Targets Iran War Epic Fury Updates Oil Price Impact

ઈરાન સામે ટ્રમ્પનું 'મિશન ક્લીન સ્વીપ' : ખામેનેઈના મોત બાદ અમેરિકાએ નક્કી કર્યા 4 ખતરનાક લક્ષ્યો, જાણો શું છે 'ઓપરેશન એપિક ફ્યુરી'

ઈરાન સામે ટ્રમ્પનું 'મિશન ક્લીન સ્વીપ'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 05:42 AM IST

Trump War Strategy: મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ઈસ્ટ રૂમમાંથી વિશ્વને સંબોધતા ઈરાન સામેના યુદ્ધના ચાર મુખ્ય લક્ષ્યોની જાહેરાત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, આ હુમલા માત્ર બદલો લેવા માટે નથી, પરંતુ ઈરાન દ્વારા ઉભા કરવામાં આવેલા અસહ્ય જોખમોને જળમૂળથી ઉખેડી નાખવા માટે છે. ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂની સંયુક્ત રણનીતિ હેઠળ 'ઓપરેશન એપિક ફ્યુરી' તેજ કરવામાં આવ્યું છે. અમેરિકા પર થઈ રહેલી ટીકાઓનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાન પાસે પરમાણુ હથિયારો અને લાંબી અંતરની મિસાઈલો હોવી એ માત્ર મિડલ ઈસ્ટ માટે જ નહીં પણ અમેરિકી નાગરિકોની સુરક્ષા માટે પણ ખતરો છે, અને તેને રોકવા માટે આ અત્યંત જરૂરી છે.

ટ્રમ્પના 4 મુખ્ય ટાર્ગેટ: ઈરાનને સૈન્ય રીતે પાંગળું બનાવવાની યોજના

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સામેના સૈન્ય અભિયાનને આ ચાર મુદ્દાઓ પર કેન્દ્રિત કર્યું છે:

  1. મિસાઈલ ક્ષમતાનો વિનાશ: ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ સાઈટ્સ અને તેના પ્રોગ્રામને સંપૂર્ણપણે નષ્ટ કરવો.

  2. નૌસેનાનો સફાયો: ઈરાની નૌકાદળની તાકાત ખતમ કરવી. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ અત્યાર સુધીમાં ઈરાનના 10 યુદ્ધ જહાજોને સમુદ્રના તળિયે પહોંચાડી દીધા છે.

  3. પરમાણુ હથિયારો પર કાયમી રોક: ઈરાન ક્યારેય પરમાણુ બોમ્બ બનાવી ન શકે તે સુનિશ્ચિત કરવું.

  4. પ્રોક્સી જૂથો પર લગામ: ઈરાન બહાર સક્રિય આતંકી સંગઠનોને મળતું ફંડિંગ અને હથિયારોનો પુરવઠો કાયમ માટે બંધ કરાવવો.

ખામેનેઈનું મોત અને વર્તમાન સ્થિતિ

ગયા સપ્તાહના અંતે થયેલા ભીષણ હુમલામાં આયતુલ્લા અલી ખામેનેઈ સહિત ઈરાની શાસનના અનેક વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા છે. તેના જવાબમાં ઈરાને અમેરિકી અને ઈઝરાયેલી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. ટ્રમ્પે સ્વીકાર્યું છે કે આ જંગમાં અત્યાર સુધીમાં 4 અમેરિકી સૈનિકોએ જીવ ગુમાવ્યા છે, જેમની યાદમાં આ મિશનને વધુ પવિત્ર અને મક્કમ ઈરાદા સાથે ચાલુ રાખવામાં આવશે.

F-15 વિમાનોના નુકસાનની તપાસ

જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન રાઈઝિન કેને જણાવ્યું કે રવિવારે રાત્રે અમેરિકી વાયુસેનાના ત્રણ F-15 વિમાનોને નુકસાન થયું છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ નુકસાન દુશ્મનની ગોળીબારને કારણે નથી થયું, તેની તપાસ ચાલી રહી છે. તેમણે 'ઓપરેશન એપિક ફ્યુરી'ની પ્રશંસા કરતા કહ્યું કે અમેરિકી સેના માત્ર દબાણ જાળવવા નહીં પરંતુ જરૂર પડ્યે જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે.

કેટલો સમય ચાલશે જંગ?

અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધની આશંકાઓને ફગાવી દીધી છે. જોકે, ટ્રમ્પે અંદાજ લગાવ્યો છે કે, આ અભિયાન 4 થી 5 અઠવાડિયા સુધી ચાલી શકે છે અથવા જરૂર પડ્યે તેનાથી વધુ સમય પણ લઈ શકે છે. આ માટે મધ્ય-પૂર્વમાં વધારાના લડાકુ વિમાનો અને સૈનિકોની તૈનાતી તેજ કરવામાં આવી છે.

વૈશ્વિક અર્થતંત્ર પર મધ્ય-પૂર્વના યુદ્ધની અસર

આ યુદ્ધની અસર હવે વિશ્વના બજારો પર દેખાઈ રહી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં શિપિંગ ખોરવાઈ જવાની ભીતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જો ઈરાન આ મહત્વપૂર્ણ જળમાર્ગને બ્લોક કરવાનો પ્રયાસ કરશે તો વૈશ્વિક અર્થતંત્રમાં મોટું સંકટ આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now