Home International Trump Joins Penguin Meme Trend Greenland Ai Post Gets Trolled About Greenland

રીલના ચક્કરમાં રિયલ નોલેજ ભુલાયું? : પેંગ્વિન મીમ ટ્રેન્ડમાં કૂદવું ટ્રમ્પને ભારે પડ્યું, ગ્રીનલેન્ડ અંગે નવી પોસ્ટ કરી ટ્રમ્પ થયા ટ્રોલ

રીલના ચક્કરમાં રિયલ નોલેજ ભુલાયું?
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 09:38 AM IST

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વૈશ્વિક સ્તરે ચર્ચા અને મજાકનું કેન્દ્ર બન્યા છે. ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવાની પોતાની જૂની ઈચ્છાને સોશિયલ મીડિયા ટ્રેન્ડ સાથે જોડવાનો પ્રયાસ ટ્રમ્પને ભારે પડ્યો છે. શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા શૅર કરવામાં આવેલી એક તસવીરમાં ટ્રમ્પ એક પેંગ્વિન સાથે ગ્રીનલેન્ડ તરફ આગળ વધતા દેખાય છે, પરંતુ ભૂલ એ થઈ કે ગ્રીનલેન્ડમાં કુદરતી રીતે પેંગ્વિન હોતા જ નથી! વિજ્ઞાન અને ભૂગોળની આ પાયાની ભૂલ પકડાતા જ નેટિઝન્સે ટ્રમ્પને આડે હાથ લીધા છે અને ઈન્ટરનેટ પર પેંગ્વિન મીમ્સનો વરસાદ શરૂ થઈ ગયો છે.

શું હતી એ પોસ્ટ જેણે વિવાદ છેડ્યો?

વ્હાઇટ હાઉસના સત્તાવાર એકાઉન્ટ પરથી એક એડિટ કરેલો ફોટો શૅર કરવામાં આવ્યો હતો, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક પેંગ્વિન સાથે ચાલી રહ્યા છે અને પાછળ ગ્રીનલેન્ડનો બરફીલો વિસ્તાર દેખાય છે. આ પોસ્ટ સાથે 'એમ્બ્રેસ ધ પેંગ્વિન' (પેંગ્વિનને અપનાવો) એવું કેપ્શન લખવામાં આવ્યું હતું. આ પોસ્ટ પાછળનો હેતુ ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણની વાતને વેગ આપવાનો અને ચાલી રહેલા પેંગ્વિન મીમ ટ્રેન્ડમાં જોડાવાનો હતો.

પેંગ્વિન અને ગ્રીનલેન્ડ: ઉત્તર-દક્ષિણનો તફાવત

વ્હાઇટ હાઉસની આ પોસ્ટ જાહેર થતાની સાથે જ લોકોએ ટ્રમ્પની જનરલ નોલેજ પર સવાલો ઉઠાવ્યા છે. હકીકત એ છે કે પેંગ્વિન માત્ર દક્ષિણ ગોળાર્ધમાં (એન્ટાર્કટિકા બાજુ) જોવા મળે છે, જ્યારે ગ્રીનલેન્ડ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. બ્રિટનના કેબિનેટ ઓફિસ સહિત અનેક સત્તાવાર સંસ્થાઓએ પણ કટાક્ષ કરતા કહ્યું કે ગ્રીનલેન્ડમાં પેંગ્વિન શોધવા એ ભૂગોળની દ્રષ્ટિએ અશક્ય છે.

આખરે શું છે આ 'પેંગ્વિન મીમ ટ્રેન્ડ'?

સોશિયલ મીડિયા પર અત્યારે જે પેંગ્વિન ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના મૂળ 2007ની ડોક્યુમેન્ટ્રી 'એનકાઉન્ટર્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ' માં રહેલા છે. આ ફિલ્મમાં એક ભટકેલું પેંગ્વિન પોતાની કોલોની છોડીને એકલું બરફના મેદાનોમાં ચાલવા લાગે છે. આ દ્રશ્ય એકલતા અને મુંઝવણનું પ્રતીક બની ગયું છે. લોકો પોતાની ગુંચવણભરી સ્થિતિ દર્શાવવા માટે આ પેંગ્વિનના વીડિયોનો ઉપયોગ કરે છે, અને ટ્રમ્પે ગ્રીનલેન્ડના મુદ્દે આ જ ટ્રેન્ડનો સહારો લેવાનો પ્રયાસ કર્યો જે ઊંધો પડ્યો.

ગ્રીનલેન્ડ ખરીદવાની ટ્રમ્પની જીદ

ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ગ્રીનલેન્ડને ખરીદવા અથવા તેના પર અમેરિકાનું નિયંત્રણ સ્થાપવા માટે ઉત્સુક છે. તેઓ તેને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું માને છે. જોકે, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના સત્તાવાળાઓ આ પ્રસ્તાવને વારંવાર નકારી ચુક્યા છે. હવે આ લેટેસ્ટ પોસ્ટ બાદ લોકો કહી રહ્યા છે કે ગ્રીનલેન્ડ ખરીદતા પહેલા ટ્રમ્પે ત્યાંના પ્રાણીઓ વિશે જાણી લેવું જોઈએ!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now