Iran-US War : દુનિયા અત્યારે મધ્ય પૂર્વમાં શાંતિની આશા રાખી રહ્યા છે, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હાલના નિવેદને ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા પછી પણ યુદ્ધનો ભય ટળ્યો નથી. ટ્રમ્પે એક તરફ શાંતિની વાત કરી છે, તો બીજી તરફ ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો સમયસર સમજૂતી નહીં થાય તો અમેરિકા ફરી આક્રમક વલણ અપનાવશે.
ટ્રમ્પનો આક્રમક મિજાજ
મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ફરી જૂના આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, ઈરાન સાથેના સીઝફાયર (યુદ્ધવિરામ) ને આગળ વધારવાની તેમની કોઈ ખાસ ઈચ્છા નથી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો નિર્ધારિત શરતો મુજબ ડીલ નહીં થાય, તો સીઝફાયર સમાપ્ત કરી દેવામાં આવશે અને અમેરિકા ફરીથી બોમ્બમારો શરૂ કરી શકે છે.
21 એપ્રિલની છેલ્લી તારીખ
ટ્રમ્પના મતે 21 એપ્રિલની તારીખ ઘણી મહત્વની છે. આ દિવસ સુધીમાં જો કોઈ નક્કર પરિણામ નહીં આવે તો સ્થિતિ બગડી શકે છે. ટ્રમ્પે આડકતરી રીતે ઈરાન પર આર્થિક અને સૈન્ય દબાણ બનાવવાની રણનીતિ અપનાવી છે. તેમણે એ પણ જાહેર કર્યું છે કે, સીઝફાયર ભલે ગમે તે હોય, પણ ઈરાનની નાકેબંદી ચાલુ રહેશે જેથી તેમના તેલના નિકાસ પર અસર પડે અને તેમનું અર્થતંત્ર નબળું પડે.
પાકિસ્તાનમાં મહત્વની બેઠક
તણાવને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો પણ ચાલુ છે. આગામી સોમવારથી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે શાંતિ મંત્રણા થવાની શક્યતા છે. રવિવાર સાંજ સુધીમાં બંને દેશોના અધિકારીઓ ત્યાં પહોંચી જશે. અગાઉની વાતચીતમાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી આ બેઠક પર આખી દુનિયાની નજર છે. શું ટ્રમ્પની આ ધમકી પછી ઈરાન નમતું મૂકશે કે પછી યુદ્ધ ફાટી નીકળશે, તે હવે જોવાનું રહ્યું.





