અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર સ્તરે પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના અંકારામાં યોજાયેલી NATO સમિટ દરમિયાન ઈરાન સામે વધુ સૈન્ય કાર્યવાહી કરવાની સંભાવના વ્યક્ત કરતાં કહ્યું કે અમેરિકા બુધવારે રાત્રે ફરી હુમલો કરી શકે છે. ટ્રમ્પે ઈરાન સાથે થયેલા અસ્થાયી યુદ્ધવિરામને સમાપ્ત ગણાવ્યો અને જણાવ્યું કે ઈરાનના વલણથી અમેરિકા સંતુષ્ટ નથી. ટ્રમ્પના આ નિવેદનથી પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધની આશંકા વધી છે, જ્યારે હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજોની અવરજવર પર પણ તેની અસર જોવા મળી રહી છે. રોઇટર્સ સહિતના આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા નહીં દે અને જરૂર પડશે તો વધુ હુમલા કરવામાં આવશે.
ટ્રમ્પે શું કહ્યું?
NATO સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત પહેલાં ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે ઈરાન સતત સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેના કારણે અમેરિકા કડક પગલાં લેવા મજબૂર બન્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા ઈરાનમાં સરકાર બદલવા માંગતું નથી, પરંતુ તેહરાનને પરમાણુ હથિયારો વિકસાવવા નહીં દેવાના પોતાના વલણ પર અડગ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે શાંતિ સમજૂતી હવે અસરકારક રહી નથી અને જરૂર પડશે તો અમેરિકા ફરી હુમલો કરશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે છેલ્લા 24 કલાકમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરસ્પર હુમલાઓના અહેવાલો સામે આવ્યા છે.
હોર્મુઝમાં ભારતીય ઓઈલ ટેન્કરને પરત મોકલ્યાનો દાવો
ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી ફાર્સે દાવો કર્યો છે કે હોર્મુઝ જળમાર્ગમાં ઓમાન તરફથી બનાવવામાં આવેલા અસ્થાયી સમુદ્રી કોરિડોરનો ઉપયોગ કરી રહેલા એક ભારતીય ઓઈલ ટેન્કરને ઈરાને પાછું વળવાની સૂચના આપી હતી. અહેવાલ મુજબ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) જહાજોને રેડિયો દ્વારા ચેતવણી આપી રહ્યું છે કે તેઓ ઓમાનના કોરિડોરના બદલે ઈરાન દ્વારા નિર્ધારિત માર્ગનો ઉપયોગ કરે. જોકે, આ દાવાની પુષ્ટિ થઈ નથી. બીજી તરફ, હોર્મુઝમાં વધતા સુરક્ષા જોખમોને કારણે કેટલાક ઓઈલ અને ગેસ ટેન્કરોએ પોતાનો માર્ગ બદલ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
અમેરિકી હુમલા અને ઈરાનની જવાબી કાર્યવાહીથી તણાવ ચરમસીમાએ
તાજેતરમાં વેપારી જહાજો પર થયેલા હુમલાઓ બાદ અમેરિકાએ ઈરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હોવાનું અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે. તેના જવાબમાં ઈરાને બહેરિન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલ અને ડ્રોન હુમલાનો દાવો કર્યો છે. આ ઘટનાઓને કારણે આખા ગલ્ફ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે.
UAEએ હુમલાની નિંદા કરી
સંયુક્ત આરબ અમીરાત (UAE)એ હોર્મુઝ જળમાર્ગમાં સાઉદી અરેબિયાના ઓઈલ ટેન્કર પર થયેલા હુમલાની નિંદા કરી છે. UAEના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વેપારી જહાજોને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે અને તે આંતરરાષ્ટ્રીય નૌકાવહન, વૈશ્વિક ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક વેપાર માટે ગંભીર જોખમ ઊભું કરે છે. UAEએ સમુદ્રી માર્ગોની સુરક્ષા જાળવવા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.





