Home International Travelers Protest Strongly Against The Decision To Shut Down 22 Tourist Buses

2×2 ટુરિસ્ટ બસો બંધના નિર્ણય સામે ટ્રાવેલર્સનો ઉગ્ર વિરોધ : આંદોલનની આપી ચેતવણી

2×2 ટુરિસ્ટ બસો બંધના નિર્ણય સામે ટ્રાવેલર્સનો ઉગ્ર વિરોધ
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 02:02 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા ટુરિસ્ટ માટે ઉપયોગમાં લેવાતી 2×2 બસોની માન્યતા રદ કરવાની જાહેરાત થતા વડોદરા સહિત સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને અન્ય રાજ્યોના ખાનગી ટ્રાવેલર્સમાં ભારે રોષ ફેલાયો છે. આ નિર્ણયના વિરોધમાં આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ મુદ્દે ટ્રાવેલર્સ સંચાલકોના વિરોધનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને કારણે પરિવહન ક્ષેત્રમાં ચિંતા અને ચર્ચા વધી છે.

માહિતી મુજબ કેન્દ્ર સરકારે 2×2 ટુરિસ્ટ બસોને “હથોડા છાપ” ગણાવી તેની માન્યતા રદ કરવાની જાહેરાત કરી છે. આ અંગે વડોદરા ટુરિસ્ટ વિભાગના ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે આરટીઓ દ્વારા ટ્રાવેલર્સને આવી બસોની માન્યતા રદ કરવા અંગે સૂચના આપવામાં આવી છે. જોકે છેલ્લા સાત વર્ષથી આવી બસોનો ટુરિસ્ટો માટે વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે અને સંચાલકો નિયમિત ટેક્સ તથા વીમો પણ ચૂકવી રહ્યા છે.

ટ્રાવેલર્સ સંચાલકોનો દાવો છે કે આ બસો સાથે કોઈ મોટી દુર્ઘટના કે મુસાફરો, ડ્રાઈવર અથવા કંડક્ટરો સાથે અઘટિત ઘટના બની હોવાનો રેકોર્ડ નથી. તેમ છતાં સરકાર દ્વારા આ બસોને નીચલી કક્ષાની ગણાવી લેવામાં આવતા સંચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેઓએ જણાવ્યું કે દર મહિને આશરે રૂ. 55 હજાર જેટલો ટેક્સ ભર્યા છતાં અચાનક લેવાયેલા આવા નિર્ણયથી વ્યવસાય પર ગંભીર અસર પડશે.

આ નિર્ણય અંગે સરકાર ફેરવિચારણા કરે તે માટે જુદા જુદા રાજ્યોના સાંસદોને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ લગભગ 100 જેટલા ટ્રાવેલર્સ સંચાલકો વડોદરા જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરશે અને સરકારને નિર્ણય પાછો ખેંચવા અપીલ કરશે.

ટુરિસ્ટ વિભાગના પ્રમુખે પણ સરકારને નીતિગત નિર્ણય લેતા પહેલા સંચાલકોની સમસ્યાઓ સમજવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. અગાઉ માનવ અધિકારના મુદ્દે પણ અપીલ કરવામાં આવી હતી. જો યોગ્ય ફેરવિચારણા નહીં થાય તો વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં વ્યાપક આંદોલન શરૂ થશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now