પ્રાણીપ્રેમી લોકો અનેક પ્રકારના ડોગ્સને પાળતા હોય છે.સુંદરથી લઇ ઝડપ આકાર અને કદને આધારે શ્વાનની 500થી વધારે પ્રજાતિઓ જોવા મળે છે. પણ ગુજરાત પોલીસે પાળેલા ખાસ તાલીમ પામેલા સ્નિફર ડોગ્સે છેલ્લા થોડા દિવસમાં મહત્વપૂર્ણ કેસ ઉકેલી આરોપીઓ સુધી પહોંચી ગઇ છે. ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે છેલ્લા 6 મહિનામાં 8 ગુનાઓ ઉકેલ્યા છે. ડ્રગ્સના 2 કેસ ઉપરાંત હત્યા, બળાત્કાર અને ચોરીના 2 ગુનાઓ ઉકેલવામાં સ્નિફર ડોગ્સના કારણે પોલીસની સફળતા મળી છે.
પોલીસના ‘ગુલાબ’ નામના સ્નિફર ડોગે ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી સ્ટિલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લાની વચ્ચે સેલોટેપ વિંટાળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢયો. બીજી બાજુ ‘બીના’ ડોગે ભાવનગર ખાતે લોહીના ડાઘની ગંધથી હત્યાના ત્રણ આરોપીઓને શોધી કાઢ્યા. એટલું જ નહીં, અમદાવાદ પોલીસના ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.1.07 કરોડની ચોરીનો ગુનો એક સ્કૂલબેગ અને પાણીની બોટલને સૂંઘીને આરોપીઓને શોધી બતાવ્યા.
પોલીસના સ્નિફર ડોગ્સ કેટલા પાવરધા હોય છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, બળાત્કારના એક ગુનામાં ‘પાવર’ ડોગે ચંપલની ગંધથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચવામાં પોલીસને મદદ કરી. સ્નિફર ડોગ્સની આ સફળતાને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વખાણી. પોલીસ વડાએ હેન્ડલર સહિત કુશળ ટીમની પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે.





