Home Utilities Train Accident Compensation Railway Insurance Rules Gujarati

ટ્રેનમાં આગ કે અકસ્માતમાં મૃત્યુ થાય તો પરિવારને કેટલું વળતર મળે? : જાણો રેલવે ઇન્શ્યોરન્સના નિયમો

Train accident
Image Credit: Own work, wikimedia
Published by: Suman Dabhi
Last Updated: May 18, 2026, 10:14 AM IST

Train accident compensation: મધ્યપ્રદેશના રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં લાગેલી આગની ઘટનાએ ફરી એકવાર મુસાફરોની સુરક્ષા અને ટ્રેન અકસ્માત વળતર અંગે ચર્ચા જગાવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો ટ્રેન અકસ્માતમાં કોઈ મુસાફરનું મૃત્યુ થાય અથવા ગંભીર ઈજા થાય તો ભારતીય રેલવે અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કેટલું વળતર મળે છે? કયા મુસાફરોને તેનો લાભ મળે છે? અને ક્લેમ કેવી રીતે કરવો? અહીં જાણો સંપૂર્ણ માહિતી.

ટ્રેન ટિકિટ સાથે મળતું ઇન્શ્યોરન્સ શું છે?

ભારતીય રેલવે ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન મુસાફરોને ખૂબ જ ઓછી રકમમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુવિધા આપે છે. સામાન્ય રીતે IRCTC દ્વારા ટિકિટ બુક કરતી વખતે આશરે 35 પૈસા જેટલો વધારાનો ચાર્જ લેવામાં આવે છે.

આ વિકલ્પ પસંદ કરનાર મુસાફરોને અકસ્માત, આગ, ટ્રેન પાટા પરથી ઉતરવી અથવા અન્ય દુર્ઘટનાઓના કિસ્સામાં વીમા કવર મળે છે. ઘણા મુસાફરો આ વિકલ્પ ધ્યાન આપ્યા વગર સ્કિપ કરી દે છે, જેના કારણે બાદમાં તેઓ વળતર માટે પાત્ર રહેતા નથી.

કોને મળે છે વળતર?

ટ્રેન અકસ્માત વીમાનો લાભ માત્ર એવા મુસાફરોને મળે છે જેઓએ ટિકિટ બુકિંગ દરમિયાન ઇન્શ્યોરન્સ વિકલ્પ પસંદ કર્યો હોય. સામાન્ય રીતે નીચેના મુસાફરો આ માટે પાત્ર ગણાય છે:

કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો

RAC ટિકિટ ધરાવતા મુસાફરો

ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર મુસાફરો

ઇન્શ્યોરન્સ વિકલ્પ પસંદ કરનાર યાત્રીઓ

વેઇટિંગ ટિકિટ અથવા અનધિકૃત રીતે મુસાફરી કરનાર લોકોને સામાન્ય રીતે આ કવર મળતું નથી.

અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે?

ટ્રેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ અલગ-અલગ પરિસ્થિતિઓમાં અલગ વળતર નક્કી કરવામાં આવ્યું છે.

મૃત્યુના કિસ્સામાં

જો ટ્રેન અકસ્માતમાં મુસાફરનું મૃત્યુ થાય છે, તો તેના પરિવાર અથવા નોમિનીને 10 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે.

કાયમી સંપૂર્ણ અપંગતા

જો અકસ્માતના કારણે મુસાફર કાયમી રીતે સંપૂર્ણ અપંગ બને છે, તો પણ 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.

આંશિક કાયમી અપંગતા

શરીરના કોઈ ભાગને ગંભીર નુકસાન થવાથી આંશિક કાયમી અપંગતા સર્જાય તો 7.5 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે.

ઈજાગ્રસ્ત મુસાફરો માટે સહાય

અકસાનમાં ઘાયલ થયેલા મુસાફરોને સારવાર માટે 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ઉપરાંત હોસ્પિટલ સુધી પહોંચાડવા અથવા અન્ય પરિવહન ખર્ચ માટે લગભગ 10 હજાર રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે.

વળતર મેળવવાની પ્રક્રિયા કેવી છે?

ઘણા લોકો ઇન્શ્યોરન્સ તો લઈ લે છે, પરંતુ ક્લેમ પ્રક્રિયા વિશે અજાણ હોય છે. વાસ્તવમાં યોગ્ય પ્રક્રિયા અનુસરવાથી વળતર મેળવવું સરળ બને છે.

1. ટિકિટ બુકિંગ સમયે ઇન્શ્યોરન્સ પસંદ કરો

IRCTC પર ટિકિટ બુક કરતી વખતે “Travel Insurance” વિકલ્પ પસંદ કરવો જરૂરી છે.

2. ઇમેઇલ દ્વારા માહિતી મળે છે

ટિકિટ બુક થયા બાદ ઇન્શ્યોરન્સ કંપની તરફથી મુસાફરને ઇમેઇલ મોકલવામાં આવે છે.

3. નોમિનીની માહિતી નોંધાવો

ઇમેઇલમાં આપેલી લિંક દ્વારા વીમા કંપનીની વેબસાઇટ પર જઈ નોમિનીની વિગતો દાખલ કરવી જરૂરી છે.

4. અકસ્માત બાદ ક્લેમ દાખલ કરો

અકસાન થાય તો સંબંધિત દસ્તાવેજો સાથે ક્લેમ ફાઇલ કરવો પડે છે.

તેમાં સામાન્ય રીતે નીચેના દસ્તાવેજો જરૂરી બને છે

ટિકિટની નકલ

FIR અથવા અકસ્માત રિપોર્ટ

હોસ્પિટલ દસ્તાવેજો

મૃત્યુ પ્રમાણપત્ર (મૃત્યુના કિસ્સામાં)

ઓળખ પુરાવો

જો નોમિની નોંધાયેલ ન હોય, તો કાનૂની વારસદાર પણ દાવો કરી શકે છે.

ટ્રેન અકસ્માતોમાં વીમાનું મહત્વ કેમ વધી રહ્યું છે?

ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ટ્રેન અકસ્માતો, આગ અને ટેક્નિકલ ખામીઓની ઘટનાઓ સામે આવી છે. આવી સ્થિતિમાં માત્ર થોડા પૈસામાં મળતું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મુસાફરો અને તેમના પરિવાર માટે મોટી આર્થિક સુરક્ષા સાબિત થઈ શકે છે.

ઘણા મુસાફરો 35 પૈસાનો વધારાનો ખર્ચ બચાવવા માટે ઇન્શ્યોરન્સ લેતા નથી, પરંતુ અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં આ જ કવર લાખો રૂપિયાની સહાય આપી શકે છે.

આ પણ વાંચો: Zero FIR શું છે? : મહિલાઓ અને પીડિતો માટે કેમ મહત્વપૂર્ણ? જાણો તેનો અર્થ, ફાયદા અને કાનૂની અધિકાર

રાજધાની એક્સપ્રેસની આગની ઘટનાથી શું શીખવા મળે?

રતલામ નજીક બનેલી રાજધાની એક્સપ્રેસની ઘટના મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકતી હતી, પરંતુ રેલવે સ્ટાફની ઝડપી કામગીરીને કારણે મુસાફરો સુરક્ષિત રહ્યા. આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે મુસાફરો માટે માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ એટલું જ મહત્વનું છે.

ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા ટિકિટ બુકિંગ દરમિયાન ઇન્શ્યોરન્સ વિકલ્પ પસંદ કરવો હવે એક સમજદારીભર્યો નિર્ણય માનવામાં આવે છે.

કેમ મહત્વની છે આ માહિતી?

ઘણા લોકો રોજિંદી મુસાફરીમાં ટ્રેનનો ઉપયોગ કરે છે, પરંતુ અકસ્માત વખતે મળતા વળતર અને ઇન્શ્યોરન્સ નિયમોની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે. અકસ્માત પછી ઘણીવાર પરિવારજનો ક્લેમ પ્રક્રિયા વિશે અજાણ રહેતા હોવાથી લાભ મેળવી શકતા નથી. તેથી મુસાફરો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને તેના નિયમો સમજવું ખૂબ જરૂરી બની ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now