Home Gujarat Tragic Death Of Brother And Sister In Zaribuzarg Dahod

બે માસૂમ બાળકો રમતા-રમતા ખાબક્યા ખુલ્લા કૂવામાં : દાહોદના ઝરીબુઝર્ગમાં ભાઈ-બહેનના કરુણ મોત

બે માસૂમ બાળકો રમતા-રમતા ખાબક્યા ખુલ્લા કૂવામાં
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 02:36 PM IST

દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગરબાડા તાલુકામાં બનેલી આ દુર્ઘટનામાં ખુલ્લા અને બિનસુરક્ષિત કૂવામાં ખાબકતાં ત્રણ વર્ષીય આરાધના અને પાંચ વર્ષીય રોનક નામના માસૂમ ભાઈ-બહેનનાં કરુણ મોત નિપજ્યાં છે. ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

ખુલ્લા કૂવામાં બે માસૂમ પડ્યાંં

મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે બંને બાળકો ઘર નજીક રમતા હતા. થોડા સમય બાદ તેઓ નજરે ન પડતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. સગાસંબંધીઓ અને ગામલોકોએ પણ બાળકોને શોધવા માટે પ્રયાસો કર્યા, પરંતુ ક્યાંયથી કોઈ માહિતી મળી નહોતી. શોધ દરમિયાન ઘર નજીક આવેલા ખુલ્લા કૂવામાં બાળકીની લાશ તરતી દેખાતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.

ભાઈ-બહેનના કરુણ મોત

ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મશીનની મદદથી કૂવાનું પાણી ઉલેચીને બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં રમત દરમિયાન અકસ્માતવશ કૂવામાં ખાબક્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તંત્ર અને ગ્રામ પંચાયત સામે રોષ

આ દુર્ઘટનાએ ગામમાં ભારે અરેરાટી ફેલાવી છે. ગ્રામજનોમાં ખુલ્લા અને બિનસુરક્ષિત કૂવાઓને કારણે અકસ્માતોની ભીતિ વ્યક્ત થઈ રહી છે. તંત્ર અને ગ્રામ પંચાયત સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ તમામ જોખમી કૂવાઓ પર તાત્કાલિક સુરક્ષા કવચ બાંધવા અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા માંગ કરી છે. નિર્દોષ બાળકોના મૃત્યુ બાદ હવે તંત્ર જાગશે કે નહીં તે પ્રશ્ન ઊભો થયો છે. આ ઘટના માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ બની છે અને બાળકોની સુરક્ષા અંગે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now