ઇતિહાસના પાનાઓમાં 3 જાન્યુઆરીનો દિવસ ભારત અને વિશ્વ માટે અનેક રીતે યાદગાર રહ્યો છે. આજના દિવસે જ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને ક્રાંતિકારી સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ થયો હતો. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે International Mind Body Wellness Day ઉજવવામાં આવે છે. વિજ્ઞાન ક્ષેત્રે પણ ભારત માટે આજનો દિવસ ખાસ છે કારણ કે આજના દિવસે જ પ્રથમ હવામાન રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું.
સાવિત્રીબાઈ ફૂલે: સ્ત્રી શિક્ષણના પ્રણેતા
વર્ષ 1831 માં આજના દિવસે મહારાષ્ટ્રના નાયગાંવમાં સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ થયો હતો. તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને આધુનિક મરાઠી કાવ્યના અગ્રદૂત તરીકે ઓળખાય છે. તેમણે પોતાના પતિ જ્યોતિરાવ ફૂલે સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણ માટે આજીવન સંઘર્ષ કર્યો હતો. વર્ષ 1848 માં તેમણે પુણેમાં કન્યાઓ માટે દેશની પ્રથમ શાળાઓમાંની એકની સ્થાપના કરી હતી.
International Mind Body Wellness Dayની ઉજવણી
દર વર્ષે 3 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક અને શારીરિક સુખાકારી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનો છે કે સ્વસ્થ મન જ સ્વસ્થ શરીરનું નિર્માણ કરે છે. આ દિવસનો ઇતિહાસ નેચરોપેથીના પિતામહ ગણાતા હિપ્પોક્રેટ્સ સાથે જોડાયેલો છે. જીવનમાં યોગ, ધ્યાન અને શુદ્ધ આહાર દ્વારા કેવી રીતે સકારાત્મક પરિવર્તન લાવી શકાય તે માટે આ દિવસે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાય છે.
3 જાન્યુઆરીની અન્ય ઐતિહાસિક ઘટનાઓ
ભારતનું પ્રથમ રોકેટ 'મેનકા': વર્ષ 1968 માં આજના દિવસે ભારતે પોતાનું પ્રથમ હવામાન શાસ્ત્રીય રોકેટ 'મેનકા' સફળતાપૂર્વક લોન્ચ કરીને અંતરિક્ષ વિજ્ઞાનમાં નવું પ્રકરણ લખ્યું હતું.
વડાપ્રધાનની સાયન્સ કોંગ્રેસમાં હાજરી: વર્ષ 2020 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં 107 માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું જેની થીમ ગ્રામીણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતી.
મ્યાનમારમાં બંધારણનો સ્વીકાર: વર્ષ 1974 માં બર્મા (જે હાલ મ્યાનમાર તરીકે ઓળખાય છે) એ પોતાનું નવું બંધારણ અપનાવ્યું હતું.
કોલકાતાનું નામકરણ: વર્ષ 2000 માં પશ્ચિમ બંગાળના પાટનગર કલકત્તાનું નામ સત્તાવાર રીતે બદલીને કોલકાતા કરવામાં આવ્યું હતું.
પરમાણુ હથિયારોમાં ઘટાડો: વર્ષ 1993 માં શીત યુદ્ધના અંત પછી અમેરિકા અને રશિયાએ પરસ્પર સમજૂતી કરીને પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા 50% સુધી ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
શાંતિનિકેતનમાં બ્રહ્મચર્ય આશ્રમ: વર્ષ 1901 માં મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર અને રવીન્દ્રનાથ ટાગોરના પ્રયાસોથી શાંતિનિકેતનમાં બ્રહ્મચર્ય આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.





















