એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 (12 જૂન 2025): અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 માં ઓછામાં ઓછા 169 ભારતીયો અને 53 બ્રિટિશ નાગરિકો મુસાફરી કરી રહ્યા હતા, જે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ. અમદાવાદથી બપોરે 1.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, જેમાં સાત પોર્ટુગીઝ નાગરિકો અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. વિમાનમાં 10 કેબિન ક્રૂ અને બે પાઇલટ હતા.
એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 1344 (2020): કોરોના રોગચાળા દરમિયાન, વંદે ભારત રિપાર્ટિશન મિશનના ભાગ રૂપે સંચાલિત એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 1344, 7 ઓગસ્ટ, 2020 ના રોજ કોઝિકોડ (કાલિકટ) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી લપસી ગઈ. ભારે વરસાદ વચ્ચે, વિમાન ભીના ટેબલટોપ રનવે પરથી લપસી ગયું, ખીણમાં પડી ગયું અને બે ટુકડા થઈ ગયું. વિમાનમાં સવાર 190 લોકોમાંથી, બે પાઇલટ સહિત 21 લોકોએ જીવ ગુમાવ્યા.
એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 812 (2010): 22 મે, 2010 ના રોજ, કર્ણાટકના મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 812 રનવે પરથી લપસી ગઈ. દુબઈથી આવી રહેલ બોઇંગ 737-800, ટેબલટોપ રનવેની બહાર ખાડામાં પડી ગયું અને આગમાં ભડકી ગયું, જેમાં 158 લોકો માર્યા ગયા. આ દુ:ખદ ઘટનાએ ભારતના ટેબલટોપ એરપોર્ટ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ દરમિયાન લેન્ડિંગ પ્રોટોકોલની તપાસ વધારી દીધી.
એલાયન્સ એર ફ્લાઇટ 7412 (2000): 17 જુલાઈ, 2000 ના રોજ, એલાયન્સ એર ફ્લાઇટ 7412, બિહારના પટનામાં લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ. ફાઈનલ અપ્રોચ દરમિયાન અયોગ્ય હેન્ડલિંગને કારણે બોઇંગ ક્રેશ થયું. આ પ્લેન ક્રેશમાં જમીન પર પાંચ સહિત કુલ સાઠ લોકો માર્યા ગયા. આ અકસ્માતને કારણે નાના શહેરી એરપોર્ટ પર એપ્રોચની પદ્ધતિને અપગ્રેડ કરવાની શરૂઆત થઈ.
ચરખી દાદરી (1996): 12 નવેમ્બર 1996 ના રોજ થયેલી વિમાન દુર્ઘટના ભારતની સૌથી વિનાશક ઉડ્ડયન અકસ્માત બની. તેમાં 349 લોકો મૃત્યુ પામ્યા. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે સાઉદીયા ફ્લાઇટ 763 (એક બોઇંગ 747) અને કઝાકિસ્તાન એરલાઇન્સ ફ્લાઇટ 1907 (એક ઇલ્યુશિન IL-76) હરિયાણામાં ચરખી દાદરી નજીક હવામાં અથડાઈ. આ અકસ્માત નબળા સંદેશાવ્યવહાર અને કઝાકિસ્તાન વિમાનના ક્રૂના તેમની નિર્ધારિત ઊંચાઈથી નીચે ઉતરવાને કારણે થયો હતો. આ ઘટના બાદ, ભારતે નોંધપાત્ર ઉડ્ડયન સલામતી પગલાં રજૂ કર્યા, જેમાં તમામ વાણિજ્યિક વિમાનોમાં ટ્રાફિક કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ (TCAS) ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત કરવાનો સમાવેશ થાય છે.
ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 605 (1990): 14 ફેબ્રુઆરી 1990 ના રોજ, ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 605 બેંગ્લોરના HAL એરપોર્ટ નજીક ક્રેશ થયું, જેમાં 146 લોકોમાંથી 92 લોકો માર્યા ગયા. એરબસ A320 તે સમયે ભારતમાં પ્રમાણમાં નવું વિમાન હતું. તે ખૂબ નીચે ઉતર્યું અને ગોલ્ફ કોર્સ પર સરકી ગયું, રનવેથી થોડી દૂર જમીન પર પટકાયું. તપાસમાં બહાર આવ્યું કે પાઇલટની ભૂલ અને A320 ના અદ્યતન ડિજિટલ કોકપીટ વિશે ક્રૂને પૂરતું જ્ઞાન ન હોવાને કારણે આ દુ:ખદ અકસ્માત થયો.
ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 113 (1988): 19 ઓક્ટોબર 1988 ના રોજ, ઓછી વિઝિબિલિટી ને કારણે ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 113, બોઇંગ 737-200, અમદાવાદ એરપોર્ટ નજીક ક્રેશ થયું. મુંબઈથી આવી રહેલી આ ફ્લાઇટ ઝાડ સાથે અથડાઈ અને રનવેથી થોડી દૂર ક્રેશ થઈ ગઈ, જેમાં ૧૩૫ લોકોમાંથી ૧૩૩ લોકોના મોત થયા. તપાસકર્તાઓએ પાઇલટની ભૂલ, હવામાનની અપૂરતી માહિતી અને એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા પ્રક્રિયાગત ભૂલો તરફ ધ્યાન દોર્યું.
એર ઇન્ડિયા ફ્લાઇટ 855 (1978): 1 જાન્યુઆરી 1978ના રોજ, દુબઈ જતી એર ઇન્ડિયા ફ્લાઇટ 855 (બોઇંગ 747) મુંબઈથી ટેકઓફ કર્યા પછી તરત જ અરબી સમુદ્રમાં ક્રેશ થઈ ગઈ, જેમાં સવાર તમામ 213 લોકો માર્યા ગયા. આ અકસ્માત ટેકઓફ થયાના માત્ર 101 સેકન્ડ પછી થયો જ્યારે ખામીયુક્ત એટીટ્યૂડ ડાયરેક્ટ ઈંડિકેટર ને કારણે કેપ્ટને વિમાનની દિશા ખોટી રીતે સમજી લીધી.
ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 440 (1973): 31 મે 1973ના રોજ, ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 440 દિલ્હીના પાલમ એરપોર્ટ નજીક ક્રેશ થયું. બોઇંગ 737-200 ખરાબ હવામાનને કારણે રનવેથી થોડી દૂર હાઇ-ટેન્શન વાયર સાથે અથડાયું. વિમાનમાં સવાર 65 લોકોમાંથી 48 લોકોના મોત થયા હતા. આ અકસ્માતે ભારતીય એરપોર્ટ પર વધુ સારા હવામાન રડારની જરૂરિયાત પર ભાર મૂક્યો.






