મહારાષ્ટ્રમાં સોમવારે પોલીસને હાઈકોર્ટની નાગપુર બેંચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના કારણે સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસની ટીમ કોર્ટમાં પહોંચી અને તપાસ કરી પરંતુ કંઈ મળ્યું ન હતું. સર્ચ ઓપરેશનની સાથે પોલીસે ફોન કરનાર સુધી પહોંચવાનો પ્રયાસ પણ શરૂ કર્યો હતો. જેમાં તેમને મોટી સફળતા મળી હતી. પોલીસે લોકેશન ટ્રેસ કરીને આરોપીની ધરપકડ કરી હતી. તે નાગપુરના જરીપટકાનો રહેવાસી છે. આરોપીની ઓળખ ઓમપ્રકાશ સુરેશકુમાર વાસવાણી તરીકે થઈ છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
મહારાષ્ટ્રમાં બોમ્બની ધમકીનો આ બીજો મોટો મામલો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે કોઈ અજાણ્યા વ્યક્તિએ ગોરેગાંવ પોલીસને ઈમેલ મોકલ્યો હતો. જેમાં શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, મંત્રાલય અને જેજે માર્ગ પોલીસ સ્ટેશનને પણ આવો જ ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે શિંદે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા હતા. ધમકીના સમાચાર મળતાની સાથે જ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને તેમની સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ એક હોક્સ કોલ (મેલ) હતો. આ પહેલી ઘટના નથી જ્યારે શિંદેને ધમકી મળી હોય.
આ વર્ષે જાન્યુઆરીમાં 24 વર્ષીય યુવકે સોશિયલ મીડિયા પર શિંદેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આના પર પોલીસ એક્શનમાં આવી અને થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.






