દિલ્હી ચૂંટણીના પરિણામોના 7 દિવસ બાદ પણ ભાજપે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી. પાર્ટીને 27 વર્ષ બાદ વિધાનસભામાં બહુમતી મળી છે. જો પક્ષના સૂત્રોનું માનીએ તો 17 અને 18 ફેબ્રુઆરીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ 19 અને 20 ફેબ્રુઆરીએ થઈ શકે છે.
સીએમ પદ માટે નામ નક્કી કરવા માટે ભાજપ વિગતવાર ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે. શરૂઆતમાં 48 ધારાસભ્યોમાંથી 15 નામોની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ જ્ઞાતિના સમીકરણોના આધારે તેને ઘટાડીને 9 કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે એ નક્કી થઈ ગયું છે કે દિલ્હીના આગામી સીએમ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ હશે. આ સિવાય સીએમ, સ્પીકર અને કેબિનેટ મંત્રીઓ 48માંથી 9 અંતિમ ઉમેદવારોમાંથી જ નક્કી કરવામાં આવશે.
શુક્રવારે મોડી રાત્રે ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસેથી પરત ફરેલા પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે જેપી નડ્ડા અને અમિત શાહ સાથે આ મુદ્દે ચર્ચા કરી શકે છે. જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો ભાજપે તેનું ગ્રાઉન્ડ વર્ક પૂર્ણ કરી લીધું છે. પીએમની મંજૂરી બાદ જ સીએમની જાહેરાત કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ જવાહર લાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. જેમાં એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થશે.
ભાજપે AAP પર સાંધ્યું નિશાન
ભાજપના શપથ સમારોહને લઈને રાજૌરી ગાર્ડનથી બીજેપી ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે અમારા નિરીક્ષકોનો નિર્ણય એક-બે દિવસમાં લેવામાં આવશે. આ પછી તરત જ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. આ મામલે ભાજપના પ્રવક્તા અજય આલોકે કહ્યું કે આગામી થોડા દિવસોમાં બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાશે. દિલ્હીમાં પાવર કટના નિવેદન પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે આતિશીએ AAP પાર્ટીની હાર પર શોક મનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તમને જણાવી દઈએ કે 8 ફેબ્રુઆરીએ જાહેર થયેલા પરિણામોમાં 27 વર્ષ બાદ દિલ્હી પરત ફરેલી ભાજપે 48 સીટો જીતી હતી. જ્યારે AAPને 22 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ સતત ત્રીજી વખત શૂન્ય થઈ ગઈ હતી.






