Home Gujarat Thieves Became Rampant At Vadodara Kamatibagh Childrens Fair

વડોદરાના કમાટીબાગ બાળમેળામાં ચોરો બન્યા બેફામ! : 30થી 40 જેટલા લોકોના મોબાઇલ ફોન ચોરી, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ

વડોદરાના કમાટીબાગ બાળમેળામાં ચોરો બન્યા બેફામ!
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 12:05 PM IST

સંસ્કારી નગરી વડોદરાની ઓળખ સમાન કમાટીબાગ ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત બાળમેળામાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી છે. બાળકો અને પરિવારજનો માટે આયોજિત આ મનોરંજનાત્મક મેળામાં આનંદના માહોલ વચ્ચે ચોરીની ઘટનાઓએ લોકોમાં ભય અને રોષ ફેલાવ્યો છે. મેળામાં ઉમટેલી ભારે ભીડનો લાભ લઈ મહિલા સહિતની ચોર ગેંગ બિન્દાસ્ત રીતે ફરી રહી હતી અને લોકોના પર્સ તથા ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરીને ભીડમાં સરળતાથી ફરાર થઈ જતી હતી.

30થી 40 જેટલા લોકોના મોબાઇલ ફોન ચોરાયા!

મળતી માહિતી મુજબ, આ બાળમેળામાં 30થી 40 જેટલા લોકોના મોબાઇલ ફોન ચોરી ગયાની વાત એક પીડિત મહિલાએ કરી હતી. બનાવ બાદ કેટલાક લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઘણા પીડિતો હતાશા અને આઘાતમાં રડતા-રડતા ફરિયાદ કર્યા વિના જ ઘરે પરત ફર્યા હતા. દરરોજ મોટી સંખ્યામાં બાળકો, યુવાઓ અને પરિવારજનો કમાટીબાગ બાળમેળામાં ઉમટી રહ્યા હતા. લોકો ઝુલા, રમતો અને ફૂડ કાઉન્ટર પાસે મનોરંજન માણી રહ્યા હતા, તે દરમિયાન ચોર ટોળકી સક્રિય બની હતી. ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ કરીને મહિલા ચોરો લટકાવેલા પર્સ અને ખિસ્સાને નિશાન બનાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે મેળા પરિસરમાં સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરો જાહેરમાં બેફામ રીતે ચોરી કરતા હોવાનું જણાયું છે, જે સુરક્ષા વ્યવસ્થાની ખામીને ઉજાગર કરે છે.

'પર્સમાંથી મોબાઇલ ચોરી લીધો'

પીડિત દર્શના જોશી નામની મહિલાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાની બહેન અને ભત્રીજી સાથે સાંજના સમયે બાળમેળામાં આવ્યા હતા. ફૂડ કાઉન્ટર તરફ જતા સમયે ભારે ભીડ અને અવ્યવસ્થા જોવા મળી હતી. વોલન્ટિયરોની કોઈ સ્પષ્ટ વ્યવસ્થા ન હોવાથી લોકો ધક્કામુક્કીમાં ફસાઈ ગયા હતા. આ ભીડનો લાભ લઈ એક યુવતીએ તેમના લટકાવેલા પર્સમાંથી મોબાઇલ ચોરી લીધો અને ઓઢણીમાં છુપાવી દીધો હતો.

પાલિકાની સુરક્ષા સામે સવાલ ઉઠ્યાં

સીસીટીવી કમાન્ડ રૂમમાં તપાસ કરતાં અંદાજે 40 જેટલા લોકો પોતાના ચોરી ગયેલા મોબાઇલના ફૂટેજ જોવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું. દર્શના જોશીના પુત્રએ ફૂટેજમાં એક યુવતી મોબાઇલ ચોરી કરતી નજરે પડતાં તેને પકડી પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો, પરંતુ આરોપી યુવતી ગુનો કબૂલ કરવા તૈયાર નહોતી. બાળમેળામાં થયેલી આ ઘટનાઓએ પાલિકાની સુરક્ષા વ્યવસ્થા, આયોજન અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now