જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકી ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. હુમલાના અનેક વીડિયો સામે આવ્યા છે. દરમિયાન ઝિપલાઈન ઓપરેટર મુઝમ્મિલનો એક વીડિયો પણ ગઈકાલે (28 એપ્રિલ) સામે આવ્યો હતો જેમાં તે અલ્લાહુ અકબરના નારા લગાવતો જોવા મળ્યો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) મંગળવારે ઝિપલાઈન ઓપરેટરની પૂછપરછ કરી રહી છે. NIAના સૂત્રોનું કહેવું છે કે હાલ મુઝમ્મિલ અને આતંકવાદીઓ વચ્ચેની મિલીભગતના કોઈ પુરાવા મળ્યા નથી.
NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલગામ ઝિપ લાઇન ઓપરેટર દ્વારા અલ્લાહ હુ અકબરના નારા લગાવવા એ કુદરતી પ્રતિક્રિયા છે અને તે થાય છે. સૂત્રોનું કહેવું છે કે મુઝમ્મિલની પ્રારંભિક પૂછપરછમાં આતંકવાદી હુમલામાં તેની સીધી સંડોવણી બહાર આવી નથી જો કે ગોળીબાર શરૂ થયા બાદ તેણે પ્રવાસીને ઝિપ લાઇન પર કેમ છોડી દીધો તે અંગે પૂછવામાં આવતા તેણે જુદા જુદા નિવેદનો આપ્યા હતા.
પ્રવાસીના નિવેદન બાદ NIAએ પૂછપરછ હાથ ધરી હતી
ઝિપલાઇનિંગ કરી રહેલા વ્યક્તિના કેમેરામાં આતંકવાદીઓ હુમલો કરતા જોવા મળે છે. વીડિયોમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાય છે. ઝિપલાઈનિંગ પ્રવાસી ઋષિ ભટ્ટે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ ઝિપલાઈન કરી રહ્યા હતા ત્યારે તેમના ઓપરેટરે 'અલ્લાહ હુ અકબર' બૂમો પાડી હતી. વીડિયોમાં ઝિપલાઈન ઓપરેટર પ્રવાસી ઋષિ ભટ્ટને મુક્ત કરતી વખતે ત્રણ વખત અલ્લાહુ અકબર બોલ્યા બાદ બિસ્મિલ્લાહ કહેતો જોવા મળે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પ્રવાસીના આ દાવા અંગે ઝિપલાઈન ઓપરેટરની પૂછપરછ કરી હતી.
મીડિયા સાથે વાત કરતા મુઝમ્મિલના ભાઈ મુખ્તારે કહ્યું કે આતંકી હુમલા બાદ જ્યારે મુઝમ્મિલ ઘરે આવ્યો ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતો અને કોઈની સાથે વાત કરતો નહોતો. મુખ્તારે એમ પણ કહ્યું કે આ પહેલા પણ મુઝમ્મિલની 23મી એપ્રિલે પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. પ્રવાસી ઋષિ ભટ્ટના દાવા બાદ NIA ફરી એકવાર તેમની પૂછપરછ કરી રહી છે.






