Home Gujarat The Kidnapping Of A 5 Month Old Child In Pavagadh Has Been Solved

પાવાગઢમાં 5 માસના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો : યુવતિ સહિત બેની ધરપકડ, ચોંકવનારો કિસ્સો

પાવાગઢમાં 5 માસના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 10:44 AM IST

પંચમહાલના હાલોલના પાવાગઢ રોડ પરથી પાંચ માસના બાળકના અપહરણની ઘટનાનો અંતે ભેદ ઉકેલાયો છે. પંચમહાલ જિલ્લા પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી યુવતી સહિત બે આરોપીઓને ઝડપી લઈ અપહરણ થયેલ બાળકને સુરક્ષિત રીતે માતાને સોંપ્યું, જેના પગલે હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, હાલોલના પાવાગઢ રોડ પર સાઈબાબાના મંદિર પાસે આવેલા ફુટપાથ પર આશાબેન અર્જુનભાઈ દંતાણી નામની શ્રમજીવી નિરાધાર મહિલા પોતાની પુત્રી અને પાંચ માસના પુત્ર સાથે રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા. રાત્રિના સુમારે એક અજાણી મહિલા ત્યાં આવી અને આશાબેનના બગલમાં સૂઈ રહેલા પાંચ માસના બાળકને ઉપાડી ફરાર થઈ ગઈ હતી. સવાર થતાં બાળક નજરે ન પડતાં આશાબેન હચમચી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ હતી

બનાવની ગંભીરતા સમજી પંચમહાલ જિલ્લા પોલીસે તરત જ તપાસનો દોર શરૂ કર્યો હતો. જિલ્લા એલસીબી, એસઓજી તેમજ હાલોલ ટાઉન અને હાલોલ રૂરલ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. હાલોલના નાયબ પોલીસ અધિક્ષક વિજયસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ બનાવસ્થળ આસપાસ અને અન્ય વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક મહિલા બાળકને ઉઠાવી લઈ જતી હોવાનો સીસીટીવી ફૂટેજ મળી આવ્યો હતો, જેને પોલીસે સોશિયલ મીડિયા મારફતે જાહેર કરી લોકો પાસેથી માહિતી માંગેલી હતી.

બાતમી આધારે કાર્યવાહી કરાઈ

આ દરમિયાન પોલીસને ખાનગી રીતે બાતમી મળી હતી કે હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં પનોરામા ચોકડી પાસે આવેલી એક ઓરડીમાં એક મહિલા અને પુરુષ પાસે નાનું બાળક છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે ત્યાં છાપો મારી જશોદાબેન વિક્રમભાઈ પરમાર અને સુરેશભાઈ મફતસિંહ પરમારને ઝડપી લીધા હતા અને તેમની ઓરડીમાંથી અપહરણ થયેલ બાળકને શોધી કાઢ્યો હતો. આરોપીઓ બાળક અંગે કોઈ વાલીપણા સંબંધિત પુરાવા રજૂ કરી શક્યા ન હોવાથી બંનેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ મથકે બાળકને માતા આશાબેન સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જ્યાં માતાએ પોતાના બાળકની ઓળખ કરી હતી. બાદમાં બાળકને માતાને સોંપવામાં આવતા ભાવનાત્મક અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પોતાના બાળકને પાછું મળતાં આશાબેન રડી પડ્યા હતા, જે જોઈ હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

રવિવારે હાલોલ રૂરલ પોલીસ મથકે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર બનાવની માહિતી આપી હતી. આ સમયે આશાબેને રડતી આંખે અને કંપતા અવાજે સમયસર કાર્યવાહી કરી પોતાનું બાળક સુરક્ષિત પરત અપાવ્યા બદલ સમગ્ર પોલીસ તંત્રનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસને દેવદૂત સમાન ગણાવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now