IPL 2026 : IPL ની 19 મી સીઝનનો આજથી ધમાકેદાર શુભારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામસામે ટકરાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 7:00 વાગ્યે ઉછાળવામાં આવશે.
હેડ ટુ હેડ રેકોર્ડ
આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો હૈદરાબાદનું પલ્લું થોડું ભારે છે. બંને વચ્ચે રમાયેલી 25 મેચોમાંથી 13 મેચ હૈદરાબાદે જીતી છે, જ્યારે 11 મેચમાં બેંગલુરુનો વિજય થયો છે. જોકે, બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ પર RCB વધુ મજબૂત છે, જ્યાં તેમણે 8 માંથી 5 મેચમાં જીત મેળવી છે.
બેંગલુરુની ટીમ મજબૂત
RCB ની ટીમ આ વખતે ખૂબ જ સંતુલિત દેખાઈ રહી છે. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ જેવા વિસ્ફોટક ઓપનર્સ ટીમ પાસે છે. મિડલ ઓર્ડરમાં રજત પાટીદાર, ટિમ ડેવિડ અને જીતેશ શર્મા જેવા એક્સપિરિયન્સ ખેલાડીઓ રન બનાવવાની જવાબદારી સંભાળશે. જોકે, ટીમ પાસે આ વખતે તેમના મુખ્ય બોલર જોશ હેઝલવુડ આજની મેચમાંથી બહાર છે, જ્યારે યશ દયાલ અંગત કારણોસર IPL 2026 માંથી બહાર થઈ ગયો છે, જે રજત પાટીદારની ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.
આ પણ ખાસ વાંચો : IPL 2026 પહેલા CSK ને મોટો ઝટકો! : MS Dhoni ઈજાને કારણે થયા બહાર, નહીં રમતા જોવા મળે 'થાલા'
હૈદરાબાદની રણનીતિ
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તેના ટોપ ઓર્ડર પર વધુ નિર્ભર છે. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ જેવા આક્રમક બેટ્સમેન પાવરપ્લેમાં ટીમને આક્રમક શરૂઆત અપાવશે. જ્યારે ટીમના કેપ્ટન પેટ કમિન્સ ઈજાગ્રસ્ત હોવાને કારણે ઈશાન કિશન ટીમનું નેતૃત્વ કરશે. પેટ કમિન્સની ગેરહાજરીમાં હૈદરાબાદની ટીમનું બોલિંગ યુનિટ થોડું નબળું જણાય છે, હૈદરાબાદ માટે હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટ મુખ્ય ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવશે.
પીચ અને હવામાન
ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટર્સ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં બાઉન્ડ્રી નાની હોવાથી હાઇ-સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. હવામાનની વાત કરીએ તો વરસાદની શક્યતા માત્ર 3% છે, જેથી ફેન્સને આખી મેચ જોવાનો આનંદ મળશે.





